અલ્હાબાદથી 6 લોકો ગિની ફાઉલ (રામતેતર) વેચવા માટે અમદાવાદમાં આવ્યા હતાં. આ બધા ગિની ફાઉલને કોઈ બીમારી થઈ ગઈ છે તેવી આશંકા પછી એ લોકો પક્ષીઓને વસ્ત્રાલમાં છોડીને ભાગી છૂટ્યા હ્તા. આશા ફાઉન્ડેશન દ્વારા આ ગિની ફાઉલનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તમામને બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા ફફટાડ ફેલાયો હતો. 800 ગિની ફાઉલને બર્ડ ફ્લૂ પોઝિટિવ જાણીને પશુપાલન વિભાગના હોશ ઉડી ગયા હતા. તરત જ ડોક્ટર્સની ટીમ હાથીજણ પહોંચી. બાદમાં ગિની ફાઉલ સહિત 900 પક્ષીનો નાશ કરાયો હતો. જે રહીશોએ પોતાના ઘરમાં મરઘાં પાળ્યા હશે તેનો પણ નાશ કરવામાં આવશે ઉપરાંત પરિવારજનોની તપાસ હાથ ધરી સાવચેતીનાં પગલાં લેવાશે. અમદાવાદ અને ખેડાના 36 ગામોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ બનાવી દેવાયો છે. એમાં 100 એ પક્ષી પણ હતા જે પહેલાથી જ ફાઉન્ડેશનમાં રખાયા હતાં. આશ્ચર્યની વાત એ છે કે ભાગી છૂટ્યા પહેલા અલ્હાબાદના લોકોએ કેટલા ગિની ફાઉલ વેચી નાખ્યા, તેમાંથી કેટલાને બર્ડ ફ્લૂ હતો અને કેટલા લોકોએ તેને આરોગ્યું, આ વાત કોઈ નથી જાણતું. આ 6 જણા કોણ હતા એની પણ કોઈ જાણ હજી સુધી નથી.આ ઘટનાના કારણે 4 વર્ષ પછી અમદાવાદ પર બર્ડ ફ્લૂનું જોખમ તોળાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરે હાથીજણ આસપાસનો 1 કિલોમીટર વિસ્તાર બર્ડ ફ્લૂ માટે અતિ સંવેદનશીલ અને 10 કિલોમીટર વિસ્તાર અસરગ્રસ્ત જાહેર કર્યો છે.