રાજકોટના નામચીન શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના મામલામાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ સુખવિંદરસિંહ ગડ્ડુ, પીએસઆઇ એસ. બી. સોલંકી અને કોન્સ્ટેબલ અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ અને હિતેશ પરમાર સહિત પાંચ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચેયની ધરપકડ કરી છે. બન્નેને માર મારી હત્યા કરી નાખવા તથા ગુન્હાના પુરાવાનો નાશ કરવા અંગે તેમજ ખોટા પુરાવા ઉભા કરવા અંગેની કલમો સહિત પાંચેયની ધરપકડ કરવામાં આવી છે. 1 જાન્યુઆરીની રાત્રીએ લૂંટની ભાગબટાઇમાં શક્તિ અને પ્રકાશની ગેંગમાં સામસામી મારામારી થઇ હતી. જેમાં બન્નેના મોત નિપજ્યા હતા. પરંતુ શક્તિની માતા નીતાબેન અને પ્રકાશના પિતાએ એકાઉન્ટર થયાના આક્ષેપો કર્યા હતા. પ્રકાશના પિતા સહિત પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી લાશ સ્વીકારવાનો ઇનકાર પણ કરી દીધો હતો. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તપાસની ખાત્રી આપ્યા બાદ જ લાશ સ્વીકારાઇ હતી. ગત રવિવારે પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સમક્ષ 35 પોલીસ કર્મચારીઓની ઓળખ પરેડ કરાવી હતી. જેમાં ત્રણ પૈકી એક આરોપીએ થોરાળાના પીઆઇ એસ.એન.ગડ્ડુને ઓળખી બતાવ્યા હતા. બીજી બાજુ એસીપી સોલંકી સહિતની ટીમ ધ્રાંગધ્રા દોડી ગઇ હતી. પેંડા સહિતના આરોપીઓને પોલીસે ધ્રાંગધ્રાથી ઉઠાવી માર મારી શક્તિસિંહ ઉર્ફે પેંડો અને પ્રકાશ લુણાગરિયાની હત્યા કર્યાનો આક્ષેપ થયો હતો. પોલીસે આ અંગે ધ્રાંગધ્રાના નરસિંહનગરમાં જઇ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નિવેદન નોંધ્યા હતા. તમામે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, 31મીની રાત્રે રાજકોટ શહેર પોલીસના બે અધિકારી સહિત 4 થી 6 પોલીસમેન જુદી-જુદી બે કારમાં આવ્યા હતા અને પેંડા સહિતનાઓને ઉઠાવી ગયા હતા. મૃતક પ્રકાશ લુણાગરિયાના પિતા દેવરાજભાઇ જેરામભાઇ લુણાગરિયાએ એડવોકેટ સંજય પંડિત મારફત અદાલતમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2016ના રોજ ધ્રાંગ્રધ્રાના પોલીસ અધિકારી વી.આર. ચૌધરીએ દારૂની રેડ કરીને પુત્ર પ્રકાશ અને શક્તિ ઉર્ફે પેંડા સહિત 6થી 7 શખ્સને પક્ડયા હતા. જે પૈકી 1 કે 2 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બાકીના શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધા હતા. જેને ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યા હતા તેમાં પ્રકાશ લુણાગરિયા, શક્તિ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા, કાદર નિયામતભાઇ મલેક, પ્રકાશ રણછોડભાઇ પરમાર, યુવરાજસિંહ લાલુભા ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા શખ્સોને રાજકોટ લાવતા પહેલા ધ્રાંગધ્રામાં પણ માર મારી સરઘસ કાઢવામાં આવ્યાની માહિતી છે.