હજી બે દિવસ પહેલા જ મોંઘવારીના ઉપરા ઉપરી ડોઝ સહન કરી ચુકેલ સામાન્ય લોકોએ મોંઘવારીનો વધુ એક ડોઝ સહન કરવા તૈયાર રહેવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, દેશની સૌથી મોટી દુધ ઉત્પાદક બ્રાન્ડ અમુલ ઈન્ડિયાએ પોતાના તમામ છ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રુપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને આ વધારો શનિવારથી લાગુ થશે.
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) કે જે અમુલ બ્રાંડે સમગ્ર દેશમાં દૂધની પ્રોડક્ટ વેચે છે તેણે નિર્ણય લીધો છે કે, દૂધમાં ભાવ વધારાનો પ્રથમ અમલ દેશની રાજધાની દિલ્હીમાં આવતીકાલથી કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં શનિવારથી નવી કિંમત લાગુ પડશે. જીસીએમએમએફના મેનેજિંગ ડાયરેક્ટર આરએસ સોઢીએ જણાવ્યુ હતું કે, અમુલ દ્વારા ૨૫ મહિના પછી પ્રથમ વખત દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ પહેલા મે ૨૦૧૪માં દૂધના ભાવ વધારાયા હતા. જ્યારે ગુજરાતમાં છેલ્લે જુન ૨૦૧૫માં દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રુપિયાનો વધારો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, જીસીએમએમએફ દ્વારા અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ તાજા, અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમુલ ટી સ્પેશિયલ અને અમુલ કાઉ મિલ્ક નામથી છ અલગ-અલગ દૂધની વેરાઈટી વેચવામાં આવે છે. આ તમામ વેરાઈટીના દૂધના ભાવમાં બે રુપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવ વધારા પાછળનો તર્ક આપતા
સોઢીએ જણાવ્યુ હતું કે, દૂધની આવક મોંઘી બની છે જેના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આગામી સમયમાં પશુપાલકોનો અપાતા ભાવમાં પણ વધારો કરવામાં આવશે. દિલ્હી અને ગુજરાત બાદ દેશના અન્ય રાજ્યોમાં પણ આગામી સપ્તાહે દૂધના ભાવમાં વધારો લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમુલે ૧૦ વર્ષમાં ૨૧ વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.