યૂપીના મથુરામાં ગુરૂવારે સરકારી જમીન પરથી ગેરકાયેદસર કબજો હટાવવા પહોંચેલી પોલીસ પર ટીમ પર ભીડે હુમલો કર્યો. ફાયરિંગ સાથે આગચંપી પણ કરી. તેમા એક એસપી અને એક એસઓનુ મોત થઈ ગયુ. બીજી બાજુ 12 પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા. પોલીસના જવાબી ફાયરિંગમાં 19 ઉપદ્વવીના મોત થયા છે અને 40થી વધુને ઇજા થઇ છે. હાલ જવાહરબાગને ખાલી કરાવાયો છે સાથોસાથ 250 લોકોની અટકાયત થઇ છે. અહીથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત થયા છે.
પોલીસ વડા (કાનૂન અને વ્યવસ્થા) એચ.આર.શર્માએ જણાવ્યુ છે કે, લગભગ 3000 લોકોના ટોળાએ પોલીસ ટુકડી પર પથ્થરમારો કર્યો હતો અને તે પછી ગોળીબાર કર્યો હતો. પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો અને અશ્રુવાયુ છોડયા અને બાદમાં વળતી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.
મથુરાના મેડીકલ ઓફિસર વિવેક મિશ્રાના જણાવ્યા પ્રમાણે સંઘર્ષમાં પાંચ વિરોધકારો અને બે પોલીસ કર્મચારીઓના મોત થયા છે તો મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ મામલામાં તપાસના આદેશો આપ્યા છે.
મળતી માહિતી મુજબ એક સત્યાગ્રહી સંગઠન છેલ્લા બે વર્ષથી આ પાર્ક ઉપર હક્ક જમાવીને બેઠુ હતુ. કોર્ટના આદેશ બાદ પણ જમીન ખાલી નહોતી કરાઇ. તંત્રએ નોટીસ પાઠવી હતી છતાં સત્યાગ્રહીઓ ત્યાંથી હટયા ન હતા. તેઓએ પોલીસ અને અધિકારીઓને નિશાના ઉપર લઇ ફાયરીંગ શરૂ કર્યુ હતુ અને જેના કારણે અફડા-તફડી મચી હતી. એસ.પી. મુકુલ દ્વિવેદી, સીટી મેજીસ્ટ્રેટ રામ યાદવ, એસઓ પ્રદિપકુમાર અને સંતોષકુમારને ગોળી વાગી હતી. મુકુલ દ્વિવેદીને હોસ્પિટલ લઇ જતા તેમનુ મોત થયુ હતુ. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંતોષ યાદવનું પણ ગંભીર ઇજાને કારણે મોત થયુ હતુ. તેમને માથામાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુપીના એડીજી દલજીતસિંહનું કહેવુ છે કે, પોલીસ ઉપર પથ્થરથી હુમલો થયો અને પછી ફાયરીંગ થયુ હતુ. હવે ઓપરેશન પુરૂ થઇ ગયુ છે અને પાર્ક ખાલી કરાવાયો છે. દેખાવકારો પાસેથી હથિયારો જપ્ત થયા છે તો ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટનું કહેવુ છે કે, હેન્ડગ્રેનેડ અને એલપીજી સીલીન્ડર વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઇ ગયો હતો જે પછી અનેક ઝુપડાઓને આગ લાગી ગઇ હતી.