અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતો એક 9 વર્ષનો ભાઇ અને 11 વર્ષની બહેન સ્કૂલ બેગમાં કપડાં ભરી નીકળી ગયા હતા. સાંજ સુધી બાળકો ઘરે ન આવતા તેમની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે પછી બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ભાઈ-બહેન રાજસ્થાનમાં રહેતા તેમના મામાના ઘરે પહોંચી ગયા છે.
સમગ્ર ઘટના મુજબ નિકોલ મહાવીરનગરમાં રહેતા લક્ષ્મીબહેન ડામોરે પોલીસને જણાવ્યું હતું કે, 5 સપ્ટેમ્બરે બપોરે અર્ચના (ઉં.11) અને તેનો ભાઇ સમીર (ઉં.9) ઘરેથી સ્કૂલ બેગમાં કપડાં ભરી નિકળી ગયા હતા. બંને તેમનાં દીદીના ઘરે જવાનું કહી નીકળ્યાં હતાં. તેઓની માતા નોકરી-ધંધાએ ગયા હતા અને સાંજે અર્ચના અને સમીર ઘરમાં જોવા ન મળતાં તેઓએ આસપાસમાં તપાસ કરી હતી, પરંતુ બંને મળી આવ્યાં ન હતાં. ઘરમાં તપાસ કરતાં બે જોડી કપડાં લઇ તેઓ જતાં રહ્યાં હતાં. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, ગુરૂવારે રાજસ્થાનમાં રહેતા તેના મામાનો ફોન આવ્યો હતો કે, અર્ચના અને સમીર રાજસ્થાન પહોંચ્યા છે. રાજસ્થાનથી પરત આવ્યા બાદ બંને ભાઇ બહેન કેવી રીતે રાજસ્થાન પહોંચ્યા તેની તપાસ કરાશે.