પારુલ યુનિ.ના તત્કાલીન પ્રમુખ ડો.જયેશ પટેલ સામે વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ ચકચારી કેસમાં પોલીસે ડો.જયેશ પટેલ તેમજ રેક્ટર ભાવના ચૌહાણની ધરપકડ કરી હતી. ગુનો નોંધાયાના 90 દિવસમાં તપાસ અધિકારીએ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે ત્યારે આજરોજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.એ વાઘોડિયા જ્યુ.મેજિ.ની અદાલતમાં 5568 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં બન્ને આરોપીની ધરપકડ થઇ ગઇ હોવાનું અને તેમાં 125 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે.
નર્સિંગની વિદ્યાર્થિનીએ તા.18 જૂન 2016ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પારુલ યુનિ.ના વડા ડો.જયેશ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં આ ફરિયાદના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ફરિયાદમાં આરોપી તરીકે હોસ્ટેલનાં રેક્ટર ભાવના ચૌહાણનું પણ નામ આપવામાં આવ્યું હતું. પોલીસ ધરપકડ બાદ આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ બન્ને આરોપી હાલ જેલમાં છે ત્યારે પી.આઇ. ચૌધરીએ આજરોજ ફરિયાદના 81મા દિવસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ 5568 પેજનું હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમાં 125 સાક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.