ઉતરાયણ પર્વ દરમિયાન આગની ઘટના ન બને તેની તકેદારીરૃપે ચાઇનીઝ તુકક્લો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. એટલું જ નહીં, પોલીસે જાહેરનામુ પણ બહાર પાડયું હતું આમ છતાંયે ઉતરાયણની રાત્રે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલોથી આકાશ થઇને દિપી ઉઠયુ હતું. પોલીસના જાહેરનામાની ઐસીતૈસી કરીને લોકોએ ચાઇનીઝ તુક્કલો ઉડાડીને ઉતરાયણની મોજ માણી હતી . ગુજરાતીઓ ચીન સાથેનો વિરોધ પણ ભૂલી ગયાં હતાં.ચાઇનીઝ દોરીને લીધે વાહનચાલકો ઘવાય છે.
એટલું જ નહીં, ગળા કપાતાં મૃત્યુ થવાની પણ ઘટના નોંધાય છે. આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલ ઉડયા બાદ જમીન પર પડતા આગની ઘટના બન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જાહેરહિતની અરજી થતાં ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય પોલીસને આ મુદ્દે કડક અમલ કરાવવા આદેશ કર્યો હતો પણ તે શક્ય બન્યુ ન હતુ .ચાઇનીઝ દોરી-તુક્કલો બજારમાં ન વેચાય તે માટે ખાસ નજર રાખવામાં આવી રહી છે તેવો ગુજરાત પોલીસે દાવો કર્યો હતો પણ વાસ્તવમાં બજારમાં ખુલ્લેઆમ તુક્કલો વેચાઇ હતી જેના લીધે ઉતરાયણની સાંજે પણ બજારમાં ચાઇનીઝ તુક્કલો લેવા ભીડ જામી હતી. હવે પોલીસની સક્રિયતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.જો પોલીસે પતંગ-દોરીની વેપારીઓ પર નજર રાખી હતી તો ચાઇનીઝ તુક્કલો બજારમાં કયાંથી આવી તે સવાલ ઉભો થયો છે. દિવાળીના દિવસોમાં ભાજપે ફટાકડાં સહિત તમામ ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી. હવે ઉતરાયણમાં ચાઇનીઝ વિરોધ ભૂલાયો હતો . અમદાવાદીઓએ જ નહીં, રાજ્યમાં લોકોએ ચાઇનીઝ તુક્કલની ભરપૂર ખરીદી કરીને આકાશમાં ઉડાડી હતી .માત્ર ઉતરાયણ જ નહીં, વાસી ઉતરાયણના દિવસે પણ ચાઇનીઝ તુક્કલો આકાશમાં ઉડી હતી. એકાદ બે નહીં, હજારો તુક્કલોથી રાત્રે આકાશ જાણે ઝગમગતુ થઇ ઉઠયું હતું જે પોલીસની નિષ્ક્રિયતાનુ ઉદાહરણ બની રહ્યુ ંહતું . પોલીસના જાહેરનામાનો સરેઆમ ભંગ કરી લોકોએ ચાઇનીઝ તુક્કલો ઉડાડી હતી. દર વર્ષે પોલીસ જાહેરનામા બહાર પાડે તે પણ તે માત્ર કાગળ પર રહે છે.