ગુજરાતમાં દારૂબંઘી છે પરંતું કેટલાક લોકો આ દારૂબંઘીને હાસ્યાસ્પદ બનાવી રહ્યાં છે. દારૂ જાણે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયો હોય અને દેખાદેખીમાં લોકોમાં તેનો વપરાશ વધી ગયો છે. પોલીસ ગમે તેટલું મથે પણ ગુજરાત માત્ર ડ્રાય ગુજરાત કહેવા પુરતું રહ્યું છે. ત્યારે એક પ્રેરણા આપતી વાસ્તવિકતા અહીં રજુ કરવામાં આવી છે. જૂનાગઢનાં હાલ નિવૃત વનકર્મીએ આ વાતને પોતાનાં જીવનમાં સાર્થક કરી બતાવી છે. જૂનાગઢનાં પાલાભાઇ કનારા જેતે સમયે 8 લિટર દારૂ ગટગટાવી જતા હતા. પરંતુ જીવનમાં આમુલ પરિવર્તન લાવી અન્યનાં જીવનમાં પણ પરિવર્તન આણ્યું છે. પાલાભાઇ કનારાએ વિરનગર હોસ્પિટલમાં સારવાર લઇ દારૂની લતથી છુટકારો મેળવ્યો હતો.દારૂનાં વ્યસનની પોતે પરિવાર અને સમાજમાં ભોગવેલા નુકશાનનાં વિચારે અન્યને પણ દારૂનું વ્યસન છોડાવવા અભિયાન શરૂ કર્યુ છે. આજથી સાતેક માસ પહેલા નિજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે.અને ટ્રસ્ટનાં માધ્યમથી દારૂનાં દૈત્યથી મુક્ત થવા ઇચ્છતા લોકોને વિરનગર સુધી પોતાનાં ખર્ચે પહોચાડે છે. સારવાર કરાવે છે. દારૂ છોડ્યા બાદ ફોન કરી પુછપરછ પણ કરતા રહે છે. સાત માસની અંદર 90 જેટલા લોકોને દારૂનાં વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે. બસ પાલાભાઇ કનારા એક ઝનુન સાથે નિકળી પડ્યા છે. ટ્રસ્ટમાં સૌથી વધુ મહિલાઓનાં ફોન આવી રહ્યા છે. પતિ દારૂ પિતા હોય મહિલાઓ ફોન કરી રહી છે. પિયુષભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે,નિજાનંદ ટ્રસ્ટની મદદથી દારૂનું વ્યસન છુટ્યું છે. ત્રણ માસ થયા દારૂ પીધો નથી. દારૂ છુટતા રૂપિયાની બચત થવા લાગી છે. 300 થી 400 રૂપિયા દારૂ પાછળ વપરાઇ જતા હતા. તેમજ રોજનાં 10 થી વધુ માવા જોતા હતા. શારીરીક તકલીફ પણ જતી રહી છે.