કોઇપણ સામાજીક સમસ્યા અંગે ‘જવો દોને આપણે શું લેવા દેવાનો’શાહમૃગ અભિગમ ધરાવતા દેશના લાખો લોકો માટે આ કિસ્સો પ્રેરણારૂપ છે.અહીં આપણે એક એવી હિમ્મતવાળી યુવતીની વાત કરવાના છીએ જેણે પોતે પકડેલી સામાજીક સમસ્યાને ત્યારે જ છોડી હતી જ્યારે તેનો ન્યાયીક અંત આવ્યો.
અમદાવાદમાં રહેતી ઝરણાં જોષી નામની કોલેજમાં ભણતી યુવતી હાલ વેકેશન કરવા મોરબીમાં રહેતી તેની બહેનના ઘરે ગઇ હતી.મોરબીના ચરાડવામાં રહેતી ઝરણાંએ એક દિવસ અહીંના ઘુંટું રોડ પર આવેલી એક ફેક્ટરીમાં કેટલીક કિશોરીઓને કામ કરતા જોઇ હતી.સિરામીકની આ આધુનિક ફેક્ટરીમાં કામ કરતી કિશોરીઓમાંથી મોટા ભાગની સગીર વયની હતી.ઝરણાં જોષીને બાળ મજુરી અંગે આ અગાઉ થોડી ઘણી જાણકારી હતી અને આ સમસ્યા અંગે તે જાગૃત પણ હતી.
22 વર્ષની ઝરણાં જોષી અમદાવાદમાં રહે છે અને હિમ્મતનગરની કોલેજમાં બીબીએ કરે છે.ઝરણાં કહે છે કે હું જ્યારે મોરબી મારી પિતરાઇ બહેનને ત્યાં રહેવા આવી તે સમયે મેં એક બસ પસાર થતી જોઇ જેમાં અનેક સગીર છોકરીઓ બેઠી હતી.આ કોઇ સ્કુલ બસ નહોતી પરંતું તપાસ કરતાં જાણવા મળ્યું કે કિશોરીઓને લઇને આ બસ ફેક્ટરીમાં જતી હતી.
જો કે સોનાકી સિરામિક નામે આ જાણીતી આ ફેક્ટરી મોરબીમાં મોટું નામ ગણાય છે.આ કંપનીની સેનેટરી પ્રોડક્ટ વિદેશોમાં ઘણી નિકાસ થાય છે.સોનાકી જેવું જાણીતું નામ હોવાને કારણે ઝરણાં જો બાળ મજુરી અંગે સીધી ફરિયાદ કરે તો તેની ફરિયાદની અવગણના થવી સ્વાભિવક હતી.વળી,સોનાકીમાં એક-બે નહીં પણ 100થી વધુ કિશોરીઓ મજુરીનું કામ કરતી હતી.
જો કે કિશોરીઓને છોડાવવાનું મક્ક્મ મન બનાવી બેઠેલી ઝરણાંએ એક રીસ્કી ગણાય તેવો ઉપાય શોધી કાઢ્યો. ઝરણાં એ પોતે આ ફેક્ટરીમાં નોકરી કરવાની તૈયારી કરી.
ઝરણાંએ એક મહિના સુધી સોનાકીમાં નોકરી કરીને અહીં કામ કરતી કિશોરીઓની રજે રજનીવિગતો મેળવી.પોતાની નોકરી દરમિયાન ઝરણાંએ જોયું કે ફેક્ટરીમાં કામ કરતી મોટા ભાગની કિશોરીઓ 18 વર્ષથી ઓછી ઉંમરની હતી.આ કિશોરીઓ પાસે સવારના 8થી સાંજે 6 સુધી કામ કરાવડાવામાં આવતું હતું.અનેક કિશોરીઓ બળબળતાં તાપ વચ્ચે કામ કરતી અને તેમને પીવા માટે ઠંડુ પાણી પણ નહોતું.
કિશોરીઓ સગીર વયની હોવાના અધિકૃત પુરાવા ઝરણાં પાસે આવી જતાં તેણે સ્થાનિક લેવલે ફરિયાદ કરવાની ભુલ ના કરતાં સીધા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરી.એક સાથે 100થી વધુ સગીર વયની કિશોરીઓને બાળ મજુરી કરાવી રહી હોવાની ફરિયાદને જોઇને મુખ્યમંત્રી કાર્યાલય પણ ચોંકી ઉઠ્યું અને અહીંથી તપાસના ઉચ્ચ આદેશો અપાયા.
રાજ્યમાં જ્યારે મુખ્યમંત્રી ઓફિસમાંથી આદેશો આવે તે પછી સ્થાનિક તંત્ર તેના બધા કામો પડતા મુકી દેતું હોય છે.આ કિસ્સામાં પણ આમ જ બન્યું.
રાજકોટ સમાજ સુરક્ષાની ઓફિસથી લઇને પોલિસ તંત્ર પણ આ કિશોરીઓ છોડાવવા માટે હરકતમાં આવી ગયું હતું.શુક્રવારે રાજકોટની સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની ટીમે ચેકિંગ કરી 100થી વધુ બાળ મજૂરી કરી રહેલ કિશોરીઓને મુક્ત કરાવી હતી. આ મેગા ઓપરેશન બાળ સુરક્ષા એકમ મોરબી, સમાજ સુરક્ષા વિભાગ રાજકોટ, મોરબી બી ડિવિઝન પોલીસના જવાનો તેમજ સુરેન્દ્રનગરની ચાઈલ્ડ વિભાગની ટીમે સંયુક્ત રીતે પાર પાડ્યું હતું.
જો કે બાળમજુરોને છોડાવવા માટે ઝરણાં જોષીની સુઝ,ધીરજ અને હિમ્મત કાબિલે તારીફ
હતી.સગીરોને છોડાવવા બદલ બાળ સુરક્ષા એકમ અને જીલ્લાના પોલિસ તંત્રએ ઝરણાંનો ખાસ
આભાર માન્યો હતો.
રાજકોટ સ્થિત સામાજીક સરંક્ષણ અધિકારી કનકસિંહ ઝાલા કહે છે કે આ બચાવ ઓપરેશનનો શ્રેય
ઝરણાંને જાય છે.તેણે આવી હિમ્મત દાખવી ના હોત તો આ ઓપરેશન શક્ય ના બનત.