સિયોલ: દક્ષિણ કોરિયામાં એક વિમાન દુર્ઘટનામાં 28 લોકોના મોતના અહેવાલ છે. એવું કહેવાય છે કે જેજુ એરનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગયું અને ક્રેશ થયું. પ્લેનમાં કુલ 181 લોકો સવાર હતા, જેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. ન્યૂઝ એજન્સી યોનહાપ અનુસાર, દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું, જેમાં 23 લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. હાલમાં મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બચાવ કામગીરી ચાલી રહી છે.
પ્લેન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું
મળતી માહિતી મુજબ જેજુ એરનું આ પ્લેન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું. દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન લપસી ગયું અને દિવાલ સાથે અથડાયું. દિવાલ સાથે અથડાતા જ વિમાનમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 28 લોકોના મોત થયા છે. પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે 32 ફાયર એન્જિન અને હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા
પ્રારંભિક માહિતી અનુસાર, લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે દુર્ઘટના થઈ હોવાનું કહેવાય છે. નેશનલ ફાયર એજન્સીએ જણાવ્યું કે અકસ્માત બાદ લાગેલી આગ લગભગ ઓલવાઈ ગઈ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી બચાવ કાર્ય ચાલુ છે. વિમાનના કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બે લોકોને જીવતા બચાવી લેવાયા છે. તેમાં એક પેસેન્જર અને એક ડ્રાઈવર છે.