બાંગ્લાદેશ: ફેરીમાં આગ લાગતા 37ના મોત
બાંગ્લાદેશની સુગંધા નદીમાં મુસાફરોને લઈને જઈ રહેલી એક બોટમાં આગ લાગતા કમસે કમ 37 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
આ ઘટના ઝાલકોટી જિલ્લામાં ઘટી હતી.
સત્તાધીશોએ બીબીસી બાંગ્લાને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
સૈફુલ હસને જણાવ્યું કે એમવી અભિયાન નામની આ બોટ બારગુના જવા માટે રાતના સમયે ઢાકાથી નીકળી હતી. સવારના સમયે ઝાલકોટી જિલ્લામાં પહોંચતા જ બોટના એન્જિનમાં આગ લાગી હતી.
ઈજાગ્રસ્ત લોકોને હાલમાં બારિસાલ સદર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે.
બોટમાં આગ કઈ રીતે લાગી તે અંગે અધિકારીઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ઝાલકોટીથી એક સ્થાનિક પત્રકારે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તેમને વહેલી સવારે 3:30 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. ઘણા યાત્રીઓ પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા.
એમ પણ કહેવાઈ રહ્યું છે કે બોટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો હતા.