Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રોનિંગ : કોવિડ-૧૯ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?

પેટભેર સુવાથી ફેફસાંમાં શ્વસન પ્રક્રિયા વધુ સરળ બને છે

પ્રોનિંગ : કોવિડ-૧૯ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?
, બુધવાર, 28 એપ્રિલ 2021 (10:48 IST)
કોવિડ-૧૯ની મહામારીમાં દર્દીના પ્રાણ બચાવવા સૌથી વધુ જરૂર પ્રાણવાયુ (O2)ની છે. આ મહામારી સામે આજે આખો દેશ ટીમ ઇન્ડિયા બનીને લડત આપી રહ્યો છે ત્યારે કોવિડ-૧૯ની સેલ્ફ-કૅરમાં અતિ ઉપયોગી એવી પ્રોનિંગ પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આજની ઘડીની તાતી જરૂરિયાત બની છે. જે માટે ભારત સરકારના  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોનિંગ ટેકનીક રજૂ કરવામાં આવી છે.
 
શું છે પ્રોનિંગ ?
પ્રોનિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં દર્દીને પીઠભેર નહીં પણ મોઢું પથારી તરફ રહે એવી રીતે પેટભેર સુવડાવવામાં આવે છે. આ રીતે સુવાની પ્રક્રિયાને પ્રોનિંગ કહેવાય છે. પ્રોનિંગને સરળ શ્વસન અને શરીરમાં ઓક્સિજન વધારવાની પ્રક્રિયા તરીકે તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે. ખાસ કરીને કોવિડ-૧૯ના હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે પ્રોનિંગ ખુબ જ ફાયદાકારક છે.  
 
પેટભેર સુવાનું કેમ મહત્વનું?
તબીબી વિજ્ઞાન પ્રોનિંગને સ્વીકારે છે, તેવા સમયે પ્રશ્ન એ સર્જાય છે કે આખરે પેટભેર સુવાનું શા માટે મહત્વનું છે? અથવા તો પ્રોનિંગથી દર્દીને શું ફાયદો થાય છે?
 
પ્રોન પોઝિશનમાં સુવાથી શરીરમાં વેન્ટિલેશન(શ્વાચ્છોશ્વાસ) વધે છે અને શ્વાસ લેવાનું સહેલું થાય છે. દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને SpO2 લેવલ ૯૪ થી નીચે જાય માત્ર ત્યારે જ પ્રોનિંગ જરૂરી હોય છે. કોવિડ-૧૯ દર્દી જ્યારે હોમ આઇસોલેશનમાં હોય ત્યારે SpO2 લેવલ પર નિયમિત દેખરેખ રાખવા ઉપરાંત ટેમ્પરેચર, બ્લડ પ્રેશર અને બ્લડ સુગર જેવા સ્વસ્થતાના અન્ય સંકેતો ઉપર નજર રાખવાનું પણ આવશ્યક હોય છે. હાયપોક્સિયા (ઓક્સિજનનું નીચું સ્તર)નો સંકેત જો શરતચૂકથી ધ્યાનમાં ન આવે તો દર્દીની તકલીફ વધી શકે છે. સમયસર પ્રોનિંગ કરવામાં આવે અને શરીરમાં સારું વેન્ટિલેશન(શ્વાચ્છોશ્વાસ) જાળવવામાં આવે તો ઘણાં જીવન બચાવી શકાય છે.
 
પ્રોનિંગ માટે ઓશિકાની ગોઠવણી કેવી રીતે કરવી?
એક ઓશિકું મુખ અથવા ડોકની નીચે રાખવું. એક અથવા બે ઓશિકાં છાતીથી લઇને જાંઘના ઉપલા હિસ્સા સુધીના ભાગની નીચે રહે તેવી રીતે ગોઠવવાના હોય છે, જ્યારે બે ઓશિકાં પગના ઘૂંટણથી નીચેના ભાગથી લઇને પગની એડી સુધીના ભાગની નીચે રહે તેવી રીતે ગોઠવવાના હોય છે.
webdunia
 
સેલ્ફ પ્રોનિંગ કેવી રીતે કરવું?
સેલ્ફ પ્રોનિંગ એ સીધેસીધું પેટભેર જ સુઇ જવાની પ્રક્રિયા નથી. વિજ્ઞાને તેના માટે પણ એક પ્રક્રિયા વર્ણવી છે. પ્રોનિંગ માટે ૪-૫ ઓશિકા હોવા જોઇએ. શરીરની સુવાની સ્થિતિમાં નિયમિત ફેરફાર પણ કરતા રહેવો પડે છે. કોઇ પણ સ્થિતિમાં ૩૦ મિનિટ કરતા વધારે સમય રહેવું જોઇએ નહીં.
 
શું સાવચેતી રાખવી?
જમ્યા પછીના એક કલાક સુધી પ્રોનિંગ કરી શકાય નહીં. સરળતાથી સહન થઈ શકે તેટલા સમય પૂરતું જ પ્રોનિંગ કરવું જોઇએ. દર્દી પોતાની અનુકૂળતા અનુસાર વિવિધ ક્રમમાં દિવસના ૧૬ કલાક સુધી પ્રોનિંગ કરી શકે છે. પ્રેશર એરિયામાં ફેરફાર કરવા તથા આરામ માટે દર્દી ઓશિકાને થોડાઘણાં એડજસ્ટ કરી શકે છે. શરીરના એવા હિસ્સા કે જ્યાં ચામડીની તુરંત નીચે હાડકા હોય છે તેવા હિસ્સામાં દબાણના કારણે સોજા અથવા ઇજા પરત્વે સાવધ રહેવું.
webdunia
 
કઈ પરિસ્થિતિઓમાં પ્રોનિંગ ટાળવું જોઇએ?
સગર્ભા મહિલાઓએ, જેમની ટ્રીટમેન્ટને ૪૮ કલાક કરતા ઓછો સમય થયો હોય તેવા ડીપ વૅનસ થ્રમ્બોસિસના દર્દીઓ, ગંભીર કાર્ડિયાક સ્થિતિ ધરાવતા અથવા અનસ્ટેબલ સ્પાઇન (કરોડરજ્જુ), ફેમુર (થાપાનું હાડકું) અથવા પૅલ્વિક ફ્રૅક્ચર્સની સ્થિતિ ધરાવતા દર્દીઓએ પ્રોનિંગ ન કરવું જોઇએ.
 
દર્દીએ તેની પરિસ્થિતિ મુજબ પ્રોનિંગ અંગેનો નિર્ણય લેવો અને પ્રોનિંગ અંગે ડોક્ટરની સલાહને અનુસરવું હિતાવહ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સક્સેસ મંત્ર - તમારી મંઝિલ જાતે નક્કી કરો, સફળતા જરૂર મળશે