Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરસેવાથી રેબઝેબ થઇ જાઓ છો?, કરો આ ઉપાય

પરસેવાથી રેબઝેબ થઇ જાઓ છો?, કરો આ ઉપાય
, બુધવાર, 11 મે 2022 (18:50 IST)
ગરમીના દિવસો શરૂ થતાંની સાથે જ કેટલાકોને પસીનો છૂટી જાય છે. સામાન્ય સ્વેટિંગ તો સમજી શકાય એવી વાત છે, પણ કેટલાકોને વધુ પ્રમાણમાં પરસેવો થતો હોય છે. તમે જો જોયું જ હશે કે કેટલાકો જાણે નાહીને જ આવ્યા હોય એટલા ભીનાં-તરબોળ દેખાતા હોય છે. તેમને પણ વધુ પડતા પરસેવાથી અસાહજિકતા લાગતી હોય છે, તેઓ કમ્ફર્ટેબલ નથી રહી શકતા. અસ્વસ્થપણું ઉનાળા પૂરતું તેમના સ્વભાવનું મુખ્ય અંગ બની જાય છે. સામાન્ય રીતે ખુશહાલ અને સ્વસ્થ રહેનારાં લોકો ઉનાળામાં ચીડિયા કેમ થઈ જાય છે એવો સવાલ કરતા પહેલા તેમની હાલત જોજો. પસીનાથી રેબઝેબ થઈ જતા આવા લોકો ચીડિયા જ રહેને!
 
પરસેવો થવાનું કારણ શરીરનું ઉષ્ણતામાન સામાન્ય સ્તરે જાળવી રાખવાની કુદરતી શારીરિક પ્રક્રિયા છે. ગરમીના દિવસોમાં શરીરનું ઉષ્ણતામાન સામાન્ય લેવલ કરતા વધી જતું હોય છે, જે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. ઉષ્ણતામાનના આવા વધુ પ્રમાણને સમતોલ કરવા માટે ત્વચાની સપાટીની નીચે રહેલી સ્વેટ ગ્લેન્ડ્ઝ સક્રિય થઈ જાય છે એટલે શરીરમાંથી પસીનો નીકળવાનો શરૂ થઈ જાય છે. પરસેવો થવાથી સખત તડકામાં તપતા શરીરને ઠંડકનો અનુભવ થાય છે. પસીનો થવાથી ચામડીની કુદરતી ભીનાશ યથાવત્ રહે છે. વળી પસીનાના સ્વરૂપે કેટલાક નુકસાનકારક દ્રવ્યો શરીરમાંથી બહાર ફેંકાઈ જતો હોવાની બાબત માણસ માટે મહત્ત્વની છે. શરીરને થોડો પરસેવો થવો જરૂરી છે, પણ તેનું વધુ પડતું પ્રમાણ લોકોને માટે, ખાસ કરીને મહિલાઓને માટે રોજિંદા કામકાજમાં પરેશાનીનો અનુભવ કરાવે છે.
 
આવા પસીનાથી બચવાનો વિચાર સૌ કરે જ, ખાસ તો મહિલોઓ ભારે પરસેવાના પ્રમાણથી બચવા માગતી હોય છે. જોકે પરસેવો થતો કાયમી રીતે અટકાવી શકાય નહીં, વળી એમ કરવું હિતાવહ પણ નથી. હા એવો ઉપાય આપણે કરી શકીએ કે પસીનાના વધારે પ્રમાણને કારણે થતી પરેશાનીથી છુટકારો મેળવી શકાય ખરો. ચાલો જોઈએ શા ઉપાય કરી શકાય છે?
 
થોડા ઢીલાં અને સુતરાઉ કપડાં પહેરવા, જેથી પસીનો ઝડપથી સુકાઈ જાય. એન્ટિ બૅક્ટેરિયલ સાબુનો વપરાશ કરવાથી અને નાહવાના પાણીમાં યૂડી કોલનનાં થોડા ટીપાં નાખવાથી પણ લાભ થશે. પરસેવાને કારણે પગમાં ફન્ગલ ઈન્ફેક્શન થઈ શકે છે. એનાથી દૂર રહેવું હોય તો પગની આંગળીઓની વચ્ચે એન્ટિ ફન્ગલ પાવડર છાંટીને જ શૂઝ પહેરવા જોઈએ. ગરમીની આ મોસમમાં કેટલાક લોકો સૉક્સ પહેરતા નથી અથવા સૉક્સ પહેરવાનું છોડી દેતા હોય છે. એમ ન કરવું ઠીક નથી. એમ કરવાથી પગની ચામડીમાં એલર્જી થઈ શકે છે. પગના તળિયામાં વધારે પસીનો થતો હોય અને એનાથી બચવું હોય તો નહાવા પહેલા પાણીથી ભરેલા ટબમાં બે ચમચી ફટકડીનો પાવડર નાખી તેમાં બે મિનિટ સુધી પગ ડૂબાવી રાખો.
 
hot seasonગરમીના દિવસોમાં આર્મપિટમાં-બગલમાં સૌથી વધુ પરસેવો થતો હોય છે. બહાર નીકળવા પહેલા થોડી મિનિટો સુધી જો શરીરના આ હિસ્સામાં-બગલમાં બરફના ક્યૂબ રાખવામાં આવે તો તેમાં પરસવો થવાની ગતિ ધીમી પડી જાય છે. શર્ટના આર્મપિટ્સવાળા હિસ્સાને પરસેવાથી બચાવવા સ્વેટ પેડ્ઝનો ઉપયોગ કરવો જોઈએ.
 
વળી ડિયો સ્પ્રેના ઉપયોગને બદલે રોલોન અથવા ટેલ્કમ પાવડરનો ઉપયોગ વધારે સલામત રહેશે. સ્પ્રેનો વધુ પડતો ઉપયોગ ચામડીની અંદરના પડને નુકસાન કરી શકે છે. પરસેવાના વધુ પ્રમાણને લીધે માથાની ચામડીમાં દાણા જેવી ફોડલીઓ નીકળવાની સમસ્યા થઈ શકે છે. એનાથી બચવા માટે દર બીજા દિવસે માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો. હંમેશા સ્વસ્થ અને ખુશ રહેવાનો પ્રયાસ કરો, કારણ કે તંગદિલી કે ટેન્શનની સ્થિતિમાં સ્વેટ ગ્લેન્ડ્ઝ ઝડપથી અને વધુ પ્રમાણમાં સક્રિય થાય છે. વધુ પડતો પરસેવો થવાથી બચવા માટે એલ્યુમિનિયમ ક્લોરાઈડના બનેલા એન્ટિ-પર્સપિરન્ટ લોશન અને સ્પ્રે આવે છે તે સ્વેટ ગ્લેન્ડ્ઝના છિદ્રોને અવરોધે છે. આ એલ્યુમિનિયમ ક્લોરાઈડ સ્ટ્રોન્ગ એન્ટિ-પર્સપિરન્ટ છે. બગલમાં વધુ પડતો પરસેવો થતો હોય તો લેસર ટ્રિટમેન્ટ દ્વારા પણ ઉપચાર કરવામાં આવે છે. આયોન્ટોફોરેસિસ (ઈંજ્ઞક્ષજ્ઞિંાવજ્ઞયિતશત) ઉપચાર માટેની એક નવી ટેકનિક છે. જેમાં ટબમાં ભરેલાં પાણીમાં એક મશીન દ્વારા ચાર્જ કરવામાં આવે છે અને તેમાં પોઝિટિવ અને નેગેટિવ આયન્સ-અણુઓને સક્રિય કરી દેવામાં આવે છે. ત્યાર બાદ તેમાં વ્યક્તિના હાથ-પગ ડૂબાડી રાખવામાં આવે છે, જેના કારણે સ્વેટ ગ્લેન્ડ્ઝની સક્રિયતા ઓછી થઈ જાય છે. વળી અધિક પરસેવાની સમસ્યાથી બચવા માટે બો ટોક્સના ઈન્જેક્શનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પરસેવાની પરેશાનીમાંથી બચવાની કોઈ પણ આવી ટેકનિકનો ઉપયોગ કરવા માટે કોઈ નિષ્ણાતની સલાહ લેવી અતિશય આવશ્યક છે. ભગવદ્ગોમંડલ શબ્દકોશમાં પરસેવાનો વિસ્તૃત અર્થ છે. પરસેવો સ્તનપાયી એટલે માતાને ધાવીને મોટાં થનારાં પ્રાણીઓને જ થાય છે. વળી રાસાયણિક વિશ્ર્લેષણથી સાબિત થયું છે કે મૂત્રમાં જે પદાર્થ હોય છે તે જ પદાર્થો ઘણું કરીને પરસેવામાં હોય છે, પણ તે પદાર્થો બહુ ઓછી માત્રામાં હોય છે. ગરમીને કારણે કે પવન પડી જવાથી પરસેવો વળે છે તેમ લજ્જા, ભય, ક્રોધ વગેરે મનોવિકારોમાં પણ ઘણીવાર પરસેવો થાય છે. એવું માનવામાં આવે છે કે વધુ પાણી પીવાથી પણ પરસેવો થાય છે. તંદુરસ્ત શરીરમાં પરસેવો આવે છે તે દુર્ગંધ અને રંગ વગરનો હોય છે. દર્દીનો પરસેવો કે દવા-ઔષધિના ઉપયોગને કારણે થતો પરસેવો દુર્ગંધવાળો અને અમુક રંગનો જોવા મળે છે, વળી ખોરાકની પણ અસર પરસેવાના રંગ-ગંધ પર થાય છે, એમ કહેવામાં આવે છે. આયુર્વેદમાં વધુ પડતો પરસેવો થતો રોકવા માટે વસંતમાલતીની ગોળીઓ લેવાની કેટલાકો હિમાયત કરતા હોય છે. કહે છે કે કળથીનો લોટ શરીરે ઘસવાથી પરસેવો ઓછો થાય છે, એમ ભગવદ્ગોમંડલમાં જણાવ્યું છે. જોકે એ માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 Cancer Symptoms- શરીરમાં આ 10 લક્ષણો બતાવે છે તો ચેતજો થઈ શકે છે કેંસર