શહેરની હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સ દ્વારા કંપનીમાં કામ કરતા 5500થી વધુ કર્મચારીઓમાંથી સર્વશ્રેષ્ઠ કામ બદલ વર્ષે પણ ફરીથી બોનસ તરીકે કાર અને મકાન આપવાની જાહેરાત કરાઇ છે. ગત વર્ષે હરેક્રિષ્ણા દ્વારા 491 કાર, 200 મકાન તેમજ જ્વેલરી બોક્ષ બોનસ તરીકે અપાયા હતા. ચાલુ વર્ષે જે બોનસ અપાશે તેમાં ગયા વર્ષના કર્મચારીઓનો સમાવેશ થતો નથી.1660 કર્મચારીઓને 51 કરોડની કિંમતની 1260 કાર તથા 400 જેટલા મકાનો અપાશે. ઉપરાંત 56 કર્મચારીઓને જ્વેલરી અપાશે. મંગળવારે યોજાયેલા પારિવારક સ્નેહમિલનમાં કંપનીના વડા સવજીભાઇ ધોળકીયા જાહેરાત કરી હતી. કંપનીએ સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ 1716 કર્મચારીને પસંદ કર્યાં છે. આગામી વર્ષે કંપની દરેક કર્મચારી પાસે કાર અને મકાન હોય તેમ ઇચ્છે છે. હરેક્રિષ્ના એક્સપોર્ટ્સના જે 1660 કર્મચારીઓને સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ માટે પસંદ કરાયા હતા. તે પૈકી 1200 કર્મચારીઓ એવા છે જેમનો પગાર રૂપિયા 10 હજાર થી લઇને 60 હજાર સુધીનો છે. જે 400 કર્મચારીઓને મકાન આપવાનો નિર્ણય કરાયો છે. મકાન માટે કર્મચારીઓએ કોઈ ડાઉન પેમેન્ટ પૈકી રકમ ચૂકવવાની રહેશે નહિ. કર્મચારી પર બોજો ન પડે તે હેતુથી દર મહિને પાંચ વર્ષ સુધી રૂપિયા 5000નો હપ્તો કંપની દ્વારા ચુકવાશે. કંપની મકાનની લોન પણ કરી આપવામાં સહાય પૂરી પાડશે. કાર મેળવનારા કર્મચારીઓને મારૂતિ તેમજ નિશાનની ગાડીનો વિકલ્પ અપાયો છે. ગત વર્ષે હરેક્રિષ્ણા દ્વારા 491 કાર, 200 મકાન તેમજ જ્વેલરી બોક્ષ બોનસ તરીકે અપાયા હતા.