મહેસાણા દૂધ સાગર ડેરીના રૂ 22.50 કરોડના સાગરદાણ કેસમાં મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશીયલ કોર્ટે શુક્રવારે 5 વર્ષ બાદ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 20 હોદ્દેદારો સામે આરોપનામુ ઘડતા સમગ્ર કેસ પુન: ચર્ચાસ્પદ બન્યો છે.
બહુચર્ચિત આ કેસમા બે કથિત આરોપીઓનુ ચાલુ ટ્રાયલ દરમિયાનનુ મૃત્યુ થતા કોર્ટે તેમને તહોમતનામા માંથી બાકાત રાખ્યા હતા.સરકારી વકીલ વિજય બારોટે જણાવેલ કે, મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશીયલ કોર્ટે 20 આરોપીઓ સામે ચાર્જફ્રેમ કર્યુ છે અને કોર્ટે તેની છેલ્લી લાઇનમા હું આદેશ કરૂ છુ કે,સદરહુ તહોમત માટે ન્યાયલ તરફથી તમારા પર કામ ચલાવવામા આવે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જ્યારે બીજીબાજુ આરોપીઓના વકીલ આર.એન. બારોટે જણાવેલ કે, ચાર્જફ્રેમ માટે સીઆરપીસી 240 (2) મુજબ આરોપીઓને કોર્ટમા હાજર રાખી તેમનો જવાબ અને સહી લીધા બાદ જ ચાર્જફ્રેમ થાય.
કોર્ટે આ માત્ર તહોમતનામુ તૈયાર કર્યાનુ કહી શકાય.દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી,ચીફ જનરલ મેનેજર રશ્મીકાંત મોદી, નિશીથ બક્ષી, જલાબેન દેસાઇ સહિત 20 હોદ્દેદારો સામે તહોમતનામુ ફરમાવ્યુ હતુ.