Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

FDIમાં ગુજરાતે માર્યું મેદાનઃ 2024માં ગુજરાતે 7.3 બિલિયન ડોલર FDI પ્રાપ્ત કર્યું

FDIમાં ગુજરાતે માર્યું મેદાનઃ 2024માં ગુજરાતે 7.3 બિલિયન ડોલર FDI પ્રાપ્ત કર્યું
, શુક્રવાર, 5 જુલાઈ 2024 (18:57 IST)
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે.ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા $4.7 બિલિયન FDI પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં $7.3 બિલિયન નવું FDI પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને FDI પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. 
 
ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઘણા ઉદ્યોગ-અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (2022,2023,2024)માં અનુક્રમે $2.7, $4.7 અને $7.3 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે.ગુજરાતને સતત પ્રાપ્ત થનાર FDIના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે.
 
ગુજરાતમાં સતત FDI પ્રવાહની વૃદ્ધિના કારણો
ગુજરાતમાં FDIના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે. ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો જેમ કે GIFT સિટી, સાણંદ GIDC, ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન), અને માંડલ બેચરાજી SIR પણ FDIના પ્રવાહમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે જ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે સેમિકન્ડક્ટર સેક્ટર જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે રોકાણ પ્રાપ્ત કર્યું છે.તે સિવાય, છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ પોલિસી જેવી ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓના અસરકારક અમલીકરણના લીધે પણ FDIનો પ્રવાહ વધ્યો છે. 
 
ગુજરાતમાં FDIના પ્રવાહને પ્રોત્સાહન આપ્યું 
ઉદ્યોગોને નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ આર્થિક પ્રોત્સાહનો, જમીનની ફાળવણીમાં સરળતા અને પારદર્શિતા અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોએ પણ ગુજરાતમાં FDIના પ્રવાહને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમે પણ રાજ્યમાં રોકાણ આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી આઝાદીના અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ પણ ઘણી સફળ રહી છે. નાણાકીય વર્ષ 2024માં કુલ $15.1 બિલિયન ડોલરના FDIના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત $7.3 બિલિયન સાથે બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા અનુક્રમે $6.6 બિલિયન, $6.5 બિલિયન અને $3 બિલિયનના FDI ના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજારમાં મળતા ફળોમાં ભેળસેળ: દુકાનદારે સફરજનને રંગ આપતા જોયા, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને કારણે ચિંતા વધી