હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી દર્શાવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.
સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તા પર પાણી ભરાયા હતા. તો નવસારી, વલસાડ સહિતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ કડાણામાં ખેતરો તળાવમાં ફેરવાયા છે. બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા શહેરના સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે.સુરત જિલ્લાના મિની ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના અલગ અલગ ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
બે દિવસના વિરમબાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેરમાં આવેલા સર્કિટ હાઉસ, ડેપો, જુનાથાણા કુંભારવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ગણદેવી તાલુકાના ધનોરી, બીલીમોરા, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકામાં વરસાદ વરસ્યો છે.