Publish Date: Thu, 19 Feb 2026 (08:32 IST)
Updated Date: Thu, 19 Feb 2026 (08:51 IST)
Gujarat Budget 2026 - ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ સતત પાંચમી વખત ઐતિહાસિક બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. વર્ષ 2026-27 માટે રજૂ કરાયેલ આ બજેટનું કુલ કદ રૂ. 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 10% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ બજેટ રૂ. 974 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર છે.
રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે બજેટમાં સૌથી વધુ રૂ. 63,184 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓ માટે ગાંધીનગરમાં રૂ. 100 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી અને આધુનિક 'નમો સેન્ટ્રલ લાયબ્રેરી' સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, જે સંપૂર્ણ ડિજિટલ સુવિધાઓથી સજ્જ હશે.
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ બજેટમાં મોટા ખુશખબર આપવામાં આવ્યા છે. વિવિધ વિભાગોમાં કુલ 4,500 નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણયથી આવનારા સમયમાં મોટી ભરતીઓ થવાની શક્યતાઓ વધી ગઈ છે, જે રોજગારીની તકોમાં મોટો ઉછાળો લાવશે.
વહીવટી અને સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે મહેસૂલી કચેરીઓમાં 1,546 નવી જગ્યાઓ ઊભી કરાશે. આ ઉપરાંત, ગૃહ વિભાગ માટે રૂ. 1,265 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થાપનને વધુ આધુનિક બનાવવા માટે ખર્ચવામાં આવશે.
આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 'ભગવાન બિરસા મુંડા લાયબ્રેરી યોજના' અંતર્ગત આ વર્ષે 15 નવા તાલુકાઓમાં લાઇબ્રેરીઓ શરૂ કરવામાં આવશે, જેથી અંતરિયાળ વિસ્તારના યુવાનોને પણ અભ્યાસ માટે ઉત્તમ સુવિધાઓ મળી રહે