વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAPનું સૌરાષ્ટ્ર પર વધારેમાં વધારે ફોક્સ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો છે જે દરેક પાર્ટી માટે સત્તામાં આવવા નિર્ણાયક ગણાય છે.કોંગ્રેસ મિશન 2022 માટે ફ્રન્ટ ફુટ પર રમી રહી છે. આપ પણ કેજરીવાલને પ્રમોટ કરી મેદાને જંગમાં ઉતરી પડી છે. બીજી તરફ ભાજપ સતત સ્ટ્રેટેજી બદલી વધુમાં વધુ ડબલ એન્જિન સરકારને પ્રમોટ કરી રહી છે. આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપનું સૌથી વધારે ફોકસ છે કારણ કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર હાથથી સરકી જતાં ભાજપ બે આંકડામાં આવી ગઈ હતી. ત્યારે આ વખતની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી. પણ ચૂંટણી પહેલા જ ટિકિટને લઈ કેટલીય બેઠકો પર દાવેદારી માટે મોટા ગજાના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં આંતરિક ડખાને શાંત કરી શિસ્તમાં રાખી નેતાઓને સીધી લીટીએ ચલાવવા આકરું કામ પડી શકે તેમ છે કારણ કે ઘણખરા જૂના જોગીઓ ફરી ચૂંટણીના રણમેદાનમાં ખેલવા તૈયાર ઊભા છે. સૌરાષ્ટ્રમાં ભાજપમાં જ ચૂંટણી પહેલા ભાજપમાં દંગલ સર્જાશે તેવા વરતારા છે. સૌરાષ્ટ્રની મહત્વની ચાર બેઠક જ ભાજપ માટે આકરી બની શકે છે. સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ ગોંડલ , જસદણ , મોરબી અને જેતપુર બેઠક પર ધમાસાણ નક્કી છે. કારણ કે ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા મેદાને તો જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા ટિકિટ માથપચ્ચી કરી રહ્યા છે. મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા અને કાના અમૃતિયા દાવેદારી ઠોકી રહ્યા છે તો જેતપુર બેઠક પર જયેશ રાદડીયા અને પ્રશાંત કોરાટ પણ ટિકિટ માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની આ ચાર બેઠક પર ભાજપના કોને ટિકિટ આપશે અને કેવી રીતે બધુ સમુંસૂતરું પાર પાડશે તે પણ કે મોટી ચેલેન્જ સમાન છે.સત્તાપક્ષ ભાજપે પ્રથમવાર ધારાસભ્યોની કામગીરીને લઇને ખાનગી સરવે કરાવ્યો છે, જેમાં અન્ય રાજ્યોના પત્રકારોની જ સરવે ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે સૌરાષ્ટ્રમાં સરવે પૂર્ણ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્યનાં કામનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધું છે. આથી નિષ્ક્રિય ધારાસભ્યોના પગ અત્યારથી જ ધ્રૂજવા લાગ્યા છે. બીજી તરફ રિપોર્ટ કાર્ડમાં કયા ધારાસભ્યની ટિકિટ કપાશે અને કયા ધારાસભ્યને ટિકિટ આપવામાં આવશે એની જોરશોરથી ચર્ચા થવા લાગી છે. ખાનગી સરવે ટીમનું રિપોર્ટ કાર્ડ હાઇકમાન્ડ પાસે પહોંચી ગયું છે.