વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને કૉંગ્રેસે પણ તેની પ્રથમ યાદી લગભગ તૈયાર કરી દીધી છે. જોકે આ બંને પાર્ટીએ હજુ સુધી તેમના ઉમેદવાર જાહેર કર્યા નથી.
ત્યારે હવે ચર્ચા એવી છે કે પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાશે. તેમની સાથે ધાર્મિક માલવિયા પણ જોડાશે.
આજે ગારિયાધારમાં આપની સભા યોજાવાની છે અને તેમાં બંને નેતાઓ પાર્ટીમાં જોડાશે.
બીબીસીના સહયોગી ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાશે.
તેમણે એવું પણ કહ્યું કે અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા છે. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.