અમદાવાદ શહેરની 16 બેઠકોમાંથી કોંગ્રેસેને ચાર બેઠકો મળી છે જ્યારે 12 બેઠકો ભાજપને ફાળે ગઇ છે. ગત 2012ની ચૂંટણીમાં ભાજપને મળેલી 14 બેઠકોમાં બે બેઠકોનું નુકશાન થયું છે. કોંગ્રેસ પ્રથમવાર ભટ્ટ પરિવારની પરંપરા તોડી ખાડિયા-જમાલપુર બેઠક પર ઐતિહાસીક વિજય મેળવ્યો છે. જ્યારે બાપુનગરની બેઠક પણ કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. દરિયાપુર અને દાણીલીમડા બેઠક કોંગ્રેસે જાવી રાખી છે. ચાર પૈકી બે બેઠકો ઉપર છેક સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી રહી હતી સમીકરણ જોતા બાપુનગર બેઠક ઉપરથી વિજયી થયેલા પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ માટે એક નવું જીવતદાન છે. તેઓ અગાઉ બે વાર ચૂંટણી હારી ચુક્યા હોવાથી આ ચૂંટણી તેમના માટે મહત્ત્વપૂર્ણ હતી. જ્યારે દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે હેટ્રીક મારી સિનિયર ધારાસભ્યની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
દાણીલીમડા બેઠક પર શૈલેષ પરમાર ચોથી વાર વિજયી થયા છે. એક વાર પેટા ચૂંટણીમાં વિજયી થયા હતા. તેમની દલિત તથા મુસ્લીમ સમાજ પર પક્કડ સારી હોવાથી તેઓ આ બેઠક પર આસાનીથી વિજયી થયા હતા. બીજી બાજુ ખાડિયા-જમાલપુર બેઠક પર ગત વખતે ભૂષણ ભટ્ટ શાબિર કાબલીવાલાના કારણે વિજયી થયા હતા આ વખતે તેમની ઉપર દબાણ લવાતા કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી કરવાનું માંડી વાળતાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત પાક્કી થઇ ગઇ હતી. કોંગ્રેસને આ ચૂંટણીમાં દલિત, મુસ્લિમ, ઓબીસી તથા ઉજળીયાત વર્ગોના મતદારોના મતો મળતા તેઓ ચાર બેઠક પર વિજયી થયા છે. બાકીની બેઠકો પર પણ કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. ઘાટલોડિયામાં ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલની જીત ખુબજ મોટી હોવાથી આ વિસ્તારમાં પાટીદાર ઇફેક્ટની કોઇ જ અસર દેખાઇ નથી. એવી જ રીતે વટવા વિધાનસભા મત વિસ્તારમાં પ્રદિપસિંહ જાડેજાને પણ ઓબીસી તથા પાટીદાર ફેક્ટર નડ્યું નથી. આ વિસ્તારમાં મુસ્લીમ મતદારોએ ભાજપને ઘણા મતો આપ્યા હોવાનું બહાર આવ્યું છે.
એલિસબ્રીજ, સાબરમતી તથા નારણપુરામાં અપેક્ષા મુજબ જ પરિણામ આવ્યા હતા. તેમાં રસાકસી માત્ર લીડની જ હતી. ગુજરાતમાં સૌથી પહેલાં પરિણામ ખાડિયા-જમાલપુર બેઠકનું આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં નારણપુરા તથા ઘાટલોડિયાનો સમાવેશ થાય છે. પૂર્વમાં પાટીદાર ઇફેક્ટ વાળી ઠક્કરબાપાનગર તથા દસ્ક્રોઇ અને નિકોલમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. આ વિસ્તારમાં કોઇ પાટીદાર ઇફેક્ટ દેખાઇ નથી. ભાજપે શરૂઆતથી આ વિસ્તારમાં સત્તાધારી ભૂમિકા ભજવી હતી અને તેના ભાગરૂપે ત્રણે બેઠકો પર ઉમેદવારો રીપીટ કર્યા હતા. વેજલપુરમાં ભારે રસાકસી રહી હતી. એક તબક્કે ભાજપના કિશોરસિંહ ચૌહાણને 90 હજાર મતો હતા અને કોંગ્રેસના મિહિર શાહ 34 હજાર વોટો હતા પણ ત્યારપછી સડસડાટ મિહીર શાહે 50 હજારની લીડ કાપી દીધી હતી. છેલ્લે મિહીર શાહ 10 હજારથી વધુ મતે હારી ગયા હતા. અગાઉ આ બેઠક પર ભાજપને 40 હજારની લીડ મળી હતી.