અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણાતી ગોધરા બેઠક માટે કાંટાની ટક્કર રહી હતી, અંતે ભાજપના ઉમેદવાર 244 વોટથી જીત્યા હતા. ભાજપે અહીં સીકે રાઉલજીને મેદાનમાં ઉતાર્યા હતા, જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા.ચૂંટણી પરિણામ બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ બહુમતિથી સાત જ બેઠક વધુ લઈ શક્યો છે. પાછલા વર્ષોમાં થયેલી ચૂંટણીમાં આ ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછી બહુમતી મળી છે. કોંગ્રેસને 80 બેઠકો આપવા બદલ પ્રજાના અમે આભારી છીએ. ભાજપે ચૂંટણી જીતવા લખલૂટ ખર્ચ કર્યો, સરકારી તંત્રનો દુરુપયોગ કરાયો. ગુજરાતની જનતા આજે પણ ઈવીએમને શંકાની નજરથી જુએ છે. રુપાણીએ કહ્યું હતું કે, અમે અમારા ટાર્ગેટને પૂર્ણ કરવા પ્રયાસ કર્યા હતા. તેટલી બેઠકો ભલે ન મળી, પરંતુ અમને મળેલા વોટનું પ્રમાણ વધ્યું છે અને 22 વર્ષ સત્તામાં રહ્યા બાદ 100 બેઠકો જીતવી મોટો વિજય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બેઠકો ઓછી થઈ છે તે અમે સ્વીકારીએ છીએ. રુપાણીએ કહ્યું હતું કે, જો પાટીદાર ફેક્ટરની અસર હોત તો સુરત, રાજકોટ અને મહેસાણામાં તેની અસર જોવાઈ હોત. જોકે, આ તમામ જગ્યાએ ભાજપનો વિજય થયો છે. ચૂંટણીમાં ભાજપની જીત થઈ ચૂકી છે, ત્યારે વિજર રુપાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે નવી સરકારના સીએમ તમે બનશો? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, અને તેમાં સીએમનો ચહેરો નક્કી કરવામાં આવશે.