ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધી છે. જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સારો દેખાવ અને રાજયસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ નેતાઓમાં નંબર વન થવાની હરિફાઈ જામી છે. કોંગ્રેસને ગુજરાતમાં જીવંત રાખનાર દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની માગણીઓ કોંગ્રેસે સ્વીકારી નહોતી, જેમાં પડદા પાછળ સાંસદ એહમદ પટેલની ભૂમિકા છે, જે ગુજરાત કોંગ્રેસના નંબર-૧ ચહેરા તરીકે છે. શંકરસિંહને હાઈકમાન્ડના નામે સતત અવગણવામાં તેમની ભૂમિકા રહી છે.
ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરનાર શંકરસિંહ સહિત ૧૩ જેટલા ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા માટે મજબૂર કરનારા એહમદ પટેલ, શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની ત્રિપુટી છે, શંકરસિંહને કટ ટુ સાઈઝ કરવામાં આ ત્રિપુટી કારગત સાબિત થઈ છે, જેની ચર્ચા કોંગ્રેસ સહિત રાજકીય ગલિયારામાં છે. રાજયસભાની ચૂંટણીમાં શકિતસિંહ ગોહિલે બે મતનો મુદ્દો ઊભો કરી કોંગ્રેસ પક્ષની અને એહમદ પટેલની આબરૂ બચાવી હતી, આ ઘટનાક્રમ પછી શકિતસિંહ હાઈકમાન્ડની ગુડબુકમાં આવી ગયા છે, હવે શકિતસિંહ પોતે જ નંબર-૧ના સ્થાને છે તેવું માની રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ઘાર્થ પટેલ પણ પાટીદાર આંદોલનને લીધે ઊભા થયેલા વાતાવરણમાં નંબર વન થવા મથી રહ્યા છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ નંબર વન બનવા મથામણ કરી રહ્યા છે. કોંગ્રેસમાં અત્યારે શાંતિનો સાગર વહી રહ્યો છે પરંતુ ચરૂ ઉકળતો છે. ગુજરાતમાં સારી સ્થિતિ બને તો રાજયસભાની સીટ પરથી માંડ માંડ જીતેલા કોંગ્રેસના દિલ્હી સ્થિત રાજનેતા એહમદ પટેલ નજર નાખીને બેઠા છે, વર્ષોથી ગુજરાતના નંબર-૧ થવાની તેમની મહત્ત્વાકાંક્ષા છુપી નથી. ગુજરાતના વિકાસમાં દિલ્હી રહીને ઝાઝુ યોગદાન તેમણે આપ્યું હોય તેવું પણ નોંધાયું નથી.