વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં ત્યારે કોંગ્રેસની મતબેંક ગણાતા મુસ્લિમ
વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓ ભાજપનો કેસરી ખેસ પહેરીને કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી પઢાઓના પોસ્ટર સાથે પ્રચાર કરતી જોવા મળી હતી. લિંબાયત સહિત પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને ટીકિટ નહીં તો વોટ નહીંના મુદ્દે રાજકારણ ગરમાયું હતુ.અને આ વિસ્તારોમાં બેનર પણ અગાઉ લાગ્યા હતાં. ત્યારે મુસ્લિમ મહિલાઓ દ્વારા પ્રચાર કરવામાં આવતાં કોંગ્રેસ માટે મોટી પીછેહઠ સમાન આ ઘટના માનવામાં આવી રહી છે.
ભાજપની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ સમાજમાં મહિલાઓ માટેનો ત્રિપલ તલાકના કાયદા અંગે ફેર વિચારણા કરવામાં આવી અને નાબૂદ અંગેની જે મુહિમ ચાલી તેના પગલે મુસ્લિમ મહિલાઓ ભાજપ તરફી વળી હોય તે રીતે ઉતરપ્રદેશમાં ભાજપની બહુમતિથી સરકાર બની હતી. ત્યારે આ જ કાયદાથી મુસ્લિમ મહિલાઓને થતા ફાયદાને લઈને મહિલાઓ દ્વારા ભાજપનો પ્રચાર કરવામાં આવ્યો હતો. બુરખા- હીઝાબમાં રહેતી મહિલાઓ ઘર બહાર આવીને ભાજપ તરફી પ્રચાર કરતી જોવા મળી હતી. બદલાતા ટ્રેન્ડને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. ત્યારે પ્રચારમાં નીકળેલી મહિલાઓ પરિણામ પર કેવી અસર પાડે છે તે આગામી 18મી ડિસેમ્બરે ઈવીએમ ખુલ્યા બાદ સ્પષ્ટ થઈ જશે.