સુરતના કિમ ગામમાં પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પંચવટી સોસાયટીમાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીની હત્યા પાછળનું કોઈ જ કારણ જાણી શકાયું નથી. જોકે યુવતીનાં પરિવારજનોએ ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે. જ્યારે પતિ પણ ઘરને તાળું મારી ભાગી ગયો છે.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક કિરણ ગોડના 6 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરવામાં આવી છે. પતિએ જ રાત્રિ દરમિયાન હત્યા કરી હોવાનો મૃતક યુવતીનાં પરિવારજનોનો આક્ષેપ છે. હત્યા કર્યા બાદ પતિ ઘરને તાળું મળી ભાગી ગયો છે. હાલ કિમ પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી છે.પરિવારે જણાવ્યું હતું કે કિરણ ગૌડ (દીકરી)ના રૂમમાં વહેલી સવારે તાળું મારેલું જોતાં માતાપિતા આશ્ચર્યમાં આવી ગયાં હતાં. બારીમાંથી નજર કરતાં કિરણ ગૌડનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ દેખાયો હતો.
6 મહિના પહેલાં જ કિરણ ગૌડના લગ્ન હરિશ્ચંદ્ર ગૌડ સાથે થયા હતા. છેલ્લા ચાર માસથી હરિશ્ચન્દ્ર ગૌડ પત્નીના ઘરે જ એટલે કે ઘર જમાઈ બનીને રહેતો હતો.ત્રણ દિવસ બાદ ઘરે આવેલા પતિ હરિશ્ચંદ્ર ઘરને બહારથી તાળું મારી ભાગી જતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. હાલ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે દીકરીની હત્યા તેના જ પતિ હરિશ્ચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી છે. પોલીસે કિરણના મૃતદેહનો કબજો લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.