રાજકોટમાં સાસરીયાના ત્રાસથી પરિણીતાઓ પીડાતી હોઇ તેવી વારંવાર ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે વધુ એક પરિણીતાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું છે કે, મારા લગ્નના એક વર્ષ બાદ દિયરની નોકરી જતી રહેતા તેણે કહ્યું હતું કે, તારા અશુભ પગલાથી મારી નોકરી ગઈ, તારા પપ્પાને કહે મને ક્યાંક નોકરી અપાવે.
આ ઉપરાંત સાસુ અને પતિ પણ માનસિક ત્રાસ આપતા હતા.રાજકોટની મહિલા કોલેજ પાસે રહેતી 40 વર્ષની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે સંતવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા પતિ રમેશ ભરતભાઈ શાહ, સાસુ કોકીલાબેન ભરતભાઈ શાહ અને દિયર સાકેત શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે આ તમામ વિરૂદ્ધ IPC કલમ 498 (ક), 114 તથા દહેજ ધારા કલમ 3, 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિ, સાસુ લગ્નના એક વર્ષ બાદ રસોઇકામ, ઘરકામ બાબતે મેણા ટોણા મારી ઝઘડો કરતા હતા. દિયર તમારા અશુભ પગલાને કારણે મારી નોકરી જતી રહી છે, તમારા પપ્પાને કહો કે મને ક્યાંક નોકરી અપાવે તેમ કહી અપમાનિત કરતા હતા. પતિના ઓપરેશનનો ખર્ચો અને સેવાચાકારી માટે રૂપિયા લઇ આવવા દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. સાસુ, દિયર અને પતિ એકબીજા સાથે મળી ત્રાસ આપતા હતા.