ઘરમાં થયેલી નાને એવી તકરારમાં આત્મહત્યાઓ થવાના બનાવ વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની સાધના સોસાયટીમાં રહેતા પરિવારની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પતિએ વધુ પડતો મોબાઇલનો ઉપયોગ નહીં કરવાનો મીઠો ઠપકો આપતા પત્નીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં આત્મહત્યા કરવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.
જેમાં ખાસ કરીને ઘરેલું તકરારને કારણે આવી ઘટનાઓ વધુ બની રહી છે. ત્યારે સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહાર આવેલી સાધના સોસાયટીમાં રહેતા 35 વર્ષના ઝરણાબેન મનીષભાઇ દોશીએ પોતાના ઘરે કોઇ ન હતું ત્યારે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકીને આત્મહત્યા કરી લીધી હતી.ઘરે આવેલા પતિને બનાવની જાણ થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. ઝરણા બેનના પતિ મનીષભાઇએ પોલીસને જાણ કરીને એવી વિગતો જણાવી હતી કે તેમની પત્ની મોબાઇલ ઉપર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ વધુ પ્રમાણમાં જોતા હતા. આથી વધુ પડતો મોબાઇલનો ઉપયોગ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. જે બાબતનું દુ:ખ લાગી જતા તેમણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની વધુ તપાસ જમાદાર હમીરભાઇ ચલાવી રહ્યા છે.