ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ત્રીજા ટેસ્ટમાં આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયા 451 રન બનાવી ઓલઆઉટ થયું છે. જાડેજાએ ફરી એકવખત પોતાની બોલીંગનો જાદુ બતાવ્યો છે. પાંચ વિકેટો ઝડપી છે. તો મેકસવેલે સદી ફટકારી છે અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન 178 રને નાબાદ રહ્યો હતો.
આજે બીજા દિવસે સવારે સ્મિથ અને મેકસવેલે સારી શરૂઆત કરી હતી. બાદમાં મેકસવેલે શાનદાર સદી ફટકારી કમબેક કર્યુ છે. બાદમાં વાડે 37, કમીન્સ 0, ઓ'કીફે 25, લીયન 1 અને હેઝલવૂડ 0 રને આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયાના રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટો ઝડપી છે જયારે ઉમેશ યાદવે 3 અને આર. અશ્વિને 1 વિકેટ લીધી છે.
સ્મિથ અને મેક્સવેલની શાનદાર ઈનિંગ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે શાનદાર ઈનિંગ રમતા પોતાની ટેસ્ટ કરિયરની 19મી સદી ફટકારી હતી. ભારતીય ટીમ વિરૂદ્ધ સ્મિથની છઠ્ઠી સદી છે. સ્મિથે પોતાની શતક પૂરી કરવા માટે 227 બોલનો સામનો કર્યો જેમાં 11 ફોર સામેલ છે. પહેલા દિવસની રમતના અંતે સ્મિથે 117 અને ગ્લેન મેક્સવેલ 82 રન બનાવીને અણનમ રહ્યા હતા. વર્તમાન ભારતીય પ્રવાસ પર સ્ટીવ સ્મિથની આ બીજી સદી છે. આ પહેલા પૂણે ટેસ્ટ મેચમાં પણ સ્મિથે સદી ફટકારી હતી.
સ્મિથે બનાવ્યો અજેય રેકોર્ડ
રાંચીના મેદાન પર રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ છે. આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથના નામે નોંધાઈ ગયો છે. ભવિષ્યમાં આ ગ્રાઉન્ડ પર બેટ્સમેનો સદી ફટકારશે પરંતુ આ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ શતક ફટકારવાનો રેકોર્ડ સ્મિથના નામે જ રહેશે.
બંને ટીમો 4 ટેસ્ટની શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત મિશેલ માર્શ અને મિશેલ સ્ટાર્કની જગ્યાએ ગ્લેન મેક્સવેલ અને કમિન્સનો સમાવેશ કર્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયામાં અભિનવ મુકુંદની જગ્યાએ મુરલી વિજયનો સમાવેશ કરવામાં આવ્યો છે.