પ્રાણી પ્રેમ આજના કળયુગમાં પણ સચવાયેલો છે. માનવતા હજી મરી નથી એનું ઉત્તમ ઉદાહરણ કચ્છમાં ભૂજ તાલુકામાં આવેલું બારલા મંદિર છે. આ મંદિરમાં સ્વેચ્છાએ થતી અબોલા જીવ માટેની સામાજિક પ્રવૃત્તિ ખરેખર વખાણવા લાયક છે. આજે શહેરોમાં પોતાના બાળકોને સાચવવવાનો સમય મહિલાઓ કાઢી શકતી નથી. એટલે જ કદાચ ઘરડા ઘરની સાથે ઘોડિયા ઘર તૈયાર થવા લાગ્યાં છે. પણ બારલા મંદિરમાં મહિલાઓ દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવતી સેવાભાવની પ્રવૃત્તિ ક્યારેય કોઈ વાડા કે અખાડાને જન્મ નથી આપતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભૂજના માધાપરમાં આવેલા બારલા મંદિરમાં એસ સેવા પ્રવૃતિ ચાલે છે. અહી દરરોજ અબોલ કૂતરાઓ માટે 1500 જેટલી રોટલી તૈયાર કરવામાં આવે છે. વર્ષના 365 દિવસ રોટલી બનાવવાની પ્રક્રિયા ચાલે છે. જેમાં 25 જેટલી બહેનો સ્વેચ્છાએ રોટલી વણવી, શેકવી જેવા કામ કરે છે. રોટલી બનાવવાની સાથે સાથે હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્રનો જાપ પણ કરવામાં આવે છે. દરરોજ સાંજના 5 વાગે સમયસર શ્વાન માટે 1500 રોટલી તૈયાર થઇ જાય છે. તૈયાર થયેલી રોટલીને શ્વાનસેવા કરતાં લોકોને 10-10 નંગમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. કચ્છના ગુર્જર ક્ષત્રિય સમાજ તરફથી આ પ્રવૃતિ ચલાવવામાં આવે છે. આ પ્રવૃતિ માટે આવતા દાનને ગુપ્ત રાખવામાં આવે છે. રોટલી બનાવવા માટે આવતી મહિલાઓ ક્યારેય રજા પાડતી નથી.