Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કોને-કોને વૅક્સિન અપાઈ?

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કોને-કોને વૅક્સિન અપાઈ?
, શનિવાર, 16 જાન્યુઆરી 2021 (19:29 IST)
દેશભરમાં રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતેથી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણના ભાગરૂપે પ્રથમ તબક્કામાં જામનગરની એમ.પી.શાહ કૉલેજના ડીન નંદીની દેસાઈને રસી આપવામાં આવી હતી.
 
સરકાર દ્વારા નક્કી થયેલા પ્રૉટોકૉલ પ્રમાણે સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકૅર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 161 કેન્દ્રો પર 16 હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવાનું આયોજન છે.
 
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ પૂનમ માડમના હસ્તે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહીં રસીનો પહેલો ડૉઝ જનરલ હૉસ્પિટલના અધિક્ષક ડૉક્ટર હરીશ મટાણીને આપવામાં આવ્યો હતો. આ સાથે જ દોહોદમાં ઇન્ડિય મેડિકલ ઍસોસિયેશન સાથે જોડાયેલા ડૉક્ટર કેતન પટેલને રસી આપવામાં આવી. તેમજ સુરતના પિડિયાટ્રિશિયન ડૉક્ટર કેતન શાહને રસી આપવામાં આવી.
 
અમદાવાદ ખાતેના રસીકરણના કાર્યક્રમ સંદર્ભે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ડિરેક્ટરે બીબીસી ગુજરાતી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાતચીત રહી હતી.
 
ડૉ. માવળંકરે એ ફ્રન્ટલાઇન વર્કર્સમાંથી એક છે જેમણે કોરોના વાઇરસની રસી લીધી. તેમણે કહ્યું, "આ રસી કોરોનાનો અંત છે અને સુરક્ષિત છે."
ડૉ. માવળંકરે રસીની આડઅસર વિશે વાત કરતાં કહ્યું કે આ રસીની આડઅસરના આંકડા ખૂબ જ ઓછા છે.
 
તેમણે કહ્યું, "ખૂબ જ ઓછા લોકોને રસી લીધા બાદ તાવ આવવો, દુખાવો થવો કે અશક્તિનો અનુભવ થાય છે. આ સિવાય કોઈ ગંભીર અસર થતી નથી."
 
શું કહ્યું વડા પ્રધાન મોદીએ?
 
દેશભરમાં આજથી કોરોના વાઇરસ મહામારી સામે રસીકરણની શરૂઆત થઈ છે. જેને રસીકરણના સૌથી મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વૅક્સિનેશન અગાઉ દેશને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને કહ્યું કે હવે કોરોના વાઇરસની વૅક્સિન આવી ગઈ છે અને બહુ ઓછા સમયમાં આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક થતાં કહ્યું, "સેંકડો સાથીઓ એવા છે, જેઓ ઘરે પરત નથી આવ્યા. એમણે એક-એક જીવ બચાવવા માટે પોતાના જીવની આહૂતી આપી દીધી."
 
"એટલે આજે કોરોનાની પહેલી રસી સ્વાસ્થ્યકર્મીઓને આપીને સમાજ પોતાનું ઋણ ચૂકવે છે."
 
તેમણે કહ્યું કે સામાન્ય રીતે એક રસી બનાવતાં વર્ષો લાગી જતાં હોય છે, પણ ઓછા સમયમાં આપણે બે-બે મેડ ઇન ઇન્ડિયા વૅક્સિન તૈયાર કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે આ રસી એ ભારતની કુશળતા, કાર્યદક્ષતાનું ઉત્તમ ઉદાહરણ છે. વડા પ્રધાને કહ્યું કે કોરોનાની રસીને બંને ડોઝ લેવા જરૂરી છે, એમાં કોઈ ભૂલ કરતા નહીં. રસી લીધા પછી માસ્ક ન પહેરવાની કે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાની ભૂલો કરતા નહીં વડા પ્રધાને કહ્યું કે ઇતિહાસમાં આટલું મોટું અભિયાન ક્યારેય ચલાવાયું નથી. ભારત પહેલા ચરણમાં ત્રણ કરોડ લોકોનું રસીકરણ કરી રહ્યું છે. "આપણા વૈજ્ઞાનિક, નિષ્ણાતોને બંને રસીની વિશ્વસનીયતામાં ભરોસો થયો પછી તેને ઇમર્જન્સીના ઉપયોગ માટે મંજૂરી આપી છે. આથી લોકોએ દુષ્પ્રચારથી બચવું પડશે."
 
તેઓએ કહ્યું કે, "આપણી રસીઓ અને વિજ્ઞાનિકો પર દુનિયાને લોકો ભરોસો છે. વિદેશ કરતાં આપણી રસી ઘણી સસ્તી છે."
 
જ્યારે ભારતમાં પહેલો કેસ નોંધાયો હતો
 
રસીકરણ અભિયાનની ભારતમાં શરૂઆત થઈ રહી છે, ત્યારે સમાચાર આવી રહ્યા છે કે વિશ્વમાં કોરોના સંક્રમણથી 20 લાખ લોકો મોતને ભેટી ચૂક્યા છે.
 
ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો એ પછી શું-શું ઘટ્યું?
 
ભારતનો સૌથી પહેલો કોરોનાનો કેસ જાન્યુઆરી, 2020માં કેરળ રાજ્યમાં નોંધાયો હતો. એક યુવતીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, જેઓ વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરતાં હતાં અને ભારત પરત ફર્યાં હતાં. આ બાદમાં કોરોના વાઇરસનો ચેપ આખા દેશમાં ફેલાયો હતો. ચીનમાં ફેલાયેલો કોરોના વાઇરસ ચીનની બહાર પણ ફેલાતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી.
 
જોકે ગુજરાતમાં હજુ પણ આગામી પંદર દિવસ સુધી રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રિના 10 વાગ્યા પછીનો કર્ફ્યુ ચાલુ રહેશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.
 
ભારતના કોરોના વૅક્સિનેશન કાર્યક્રમની આખી ABCD
 
હાલમાં દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં પણ ઘણો ઘટાડો થયો છે. 
 
અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા એક કરોડથી વધુ છે અને મૃતકોની સંખ્યા દોઢ લાખથી વધુ છે.
 
કોરોના વાઇરસનું સંક્રમણ વધતાં ભારતમાં 24 માર્ચ, 2020ના રોજ સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. મેડિકલ અને જરૂરી સેવાઓ, ઇમર્જન્સી સિવાય તમામ કામકાજ અને અવરજવર પણ બંધ કરવામાં આવી હતી.
 
દેશમાં લૉકડાઉન જાહેર થતા અનેક રાજ્યોમાંથી મજૂરોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હતું. રોડ પર જતા મજૂરોનાં દૃશ્યોએ દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
 
વાહન-વ્યવહાર સદંતર બંધ હોવાથી કેટલાય મજૂરો ચાલતાંચાલતાં પોતાના ઘરે પહોંચ્યા હતા, તો કેટલાક સાઇકલ પર ઘરે પહોંચ્યા હતા.
 
જોકે બાદમાં જે તે સરકારો દ્વારા મજૂરોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટ્રેન અને બસોમાં મજૂરોને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.
 
આ દરમિયાન લૉકડાઉનને કારણે ધંધા-રોજગાર બંધ થવાથી લોકોને આર્થિક રીતે મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.
 
જોકે કેસની સંખ્યા ઓછી થતા પોતાના ઘરે ગયેલા મજૂરો પરત પણ આવી ગયા હતા.
 
વિદેશથી આવતી અને જતી ફ્લાઇટોને પણ રદ કરવામાં આવી હતી.
 
તો શરૂઆતમાં રાજ્યોએ પણ પોતાના રાજ્યમાં કેસની સંખ્યા ન વધે એટલા માટે સરહદો બંધ કરી દીધી હતી.
 
સરકાર દ્વારા કેટલીક હૉસ્પિટલોને કોવિડ હૉસ્પિટલ પણ જાહેર કરવામાં આવી હતી.
 
તો ઘણી જગ્યાએ હંગામી ધોરણે પણ મોટી-મોટી હૉસ્પિટલો ઊભી કરાઈ હતી.
 
લૉકડાઉન બાદ દેશમાં અનલૉકની પ્રક્રિયા દરમિયાન ધીમે-ધીમે પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા.
 
જોકે હજુ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, મહામારીના નિયમોનું પાલન કરવાની ડૉક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે.
 
ભારતમાં કોરોના માટે રસીકરણ
 
ભારતમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19ની રસીકરણ કામગીરી શરૂ થઈ છે. આરોગ્યમંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રાથમિકતાના ધોરણે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી આપવામાં આવશે.
 
નક્કી થયેલા પ્રૉટોકૉલ પ્રમાણે સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકૅર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે. તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને ભેગી કરીને આ આંકડો 80 લાખથી એક કરોડનો હોવાનો અંદાજ છે.
 
ત્યાર પછી લગભગ બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો, સેના, સેનિટાઇઝેશન કામદારોને રસી આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકો અને પહેલેથી કોઈ બીમારીનો સામનો કરતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી અપાશે. ભારતમાં આવા લોકોની સંખ્યા 27 કરોડ જેટલી છે.
 
50 વર્ષથી ઓછી વયના લોકોમાં એવા લોકો પણ રસીકરણ અભિયાનમાં સામેલ થશે, જેમનામાં કોરોનાનાં લક્ષણ જોવાં મળ્યાં હોય. તો કોવિડ-19નું સંક્રમણ વધારે હોય તેવાં ક્ષેત્રોને પ્રાથમિકતા અપાશે.
 
કોરોના વૅક્સિન લીધા પછી ક્યારે અસર કરશે અને શું તકેદારી રાખવી પડશે?
 
ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19ના ઇલાજ માટે બે રસીઓના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ બે રસીઓ છે - કોવિશિલ્ડ અને કૉવેક્સિન.
 
કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને 'સ્વદેશી રસી' પણ કહેવામાં આવે છે.
 
કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે.
 
આરોગ્યમંત્રાલયે જણાવ્યું કે અત્યારે કોવિશિલ્ડની રસીની 110 લાખ (1.1 કરોડ) શીશી ખરીદવામાં આવી રહી છે.
 
કૉવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR)ની સાથે મળીને કરી રહી છે.
 
સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કૉવેક્સિનની કુલ 55 લાખ રસી ખરીદવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યભરમાં કોરોના વેક્સિનેશન શરૂ, દરેક હોસ્પિટલમાં 100 લોકોનું રસીકરણ, જાણો ક્યાં શું થયું