કોવિડ-૧૯ ના અતિક્રમણ બાદ આ રોગ સાથે કેવી રીતે જીવિ શકાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માત્ર રાજ્યમાં જ નહી પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કેટલાક તજજ્ઞ તબીબોની એક સલાહકાર સમિતિનું ગઠન કર્યુ છે. આ તબીબો ડો.આર.કે.પટેલ, નિયામક, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ ડો. તેજસ પટેલ,જાણિતા હ્રદય રોગ નિષ્ણાંત, ડો.પંકજ શાહ, પૂર્વ નિયામક, ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ અમદાવાદ, ડો. દિલિપ માવલંકર, પબ્લિક હેલ્થના તજજ્ઞ અને આઈ.આઈ.એમના પૂર્વ પ્રાધ્યાપક, ડો. મહર્ષિ દેશાઈ, સ્પેક્ટ્રમ ક્રિટિકલ કેર, ક્રિટિકલ કેર એપોલો હોસ્પિટલ, ડો. વીએન. શાહ, જાણિતા, એન્ડોક્રાઈનોલોજિસ્ટ અને ઝાયડસ હોસ્પિટલના સ્થાપક, ડો. અમી પરિખ, પ્રોફેસર અને હે઼ડ, એસ.વી.પી. હોસ્પિટલ, તથા ડો. અતુલ પટેલ, ચેપી રોગના નિષ્ણાંતનો સમાવેશ થાય છે.
આ તમામ તજજ્ઞ તબોની ઉપસ્થિતિમાં રાજ્યના અગ્ર સચિવ (આરોગ્ય) ડો. જયંતિ રવિ દ્વારા ગાંધીનગર ખાતે એક મિડિયા સંવાદ યોજાયો હતો જેનો મુખ્ય ઉદેશ્ય કોરોના સાથે કઈ રીતે જીવિ શકાય તથા રાજ્યમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુ, કરોનાની સારવાર અને પ્રોટોકોલ તેમ કોરોનાથી બચવા શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ ? તેની સાચી અને વૈજ્ઞાનિક માહિતિ મળી રહે તે અંગેનો હતો.
આ તમામ તબીબોએ તબક્કાવાર ઉક્ત તમામ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી સામાન્ય વ્યક્તિના મનમાં ઉદભવતા કોરોનાના પ્રશ્નોની ઝીણવટભરી માહિતી આપી. ડેથ અને મોર્ટાલીટી વિષય પર બોલતા ડૉ. તેજસ પટેલ અને ડૉ. મહર્ષિ દેસાઇએ જણાવ્યું હતું કે આજે દુનીયાના આશરે ૨૦૦ દેશો કોવિડથી સંક્રમીત છે ગુજરાતમાં માર્ચ મહિનાથી તેના સંક્રમણનો પ્રાંરભ થયો. આ વાયરસ તમામ દેશો અને આપણા સૌના માટે નવો છે. તેની આજની તારીખે કોઇ રસી કે દવા શોધી શકાઇ નથી વળી આ વારસસ અંગેનુ પુરતું નક્કર જ્ઞાન ન હોય પ્રત્યેક દેશ પોતાની રીતે તેની સામે લડતની વ્યુહરચના કરે છે.
કોરોના બાબતે આ તબક્કે હજુ કોઇ પણ સ્થાયી ઉકેલ મેળવી શકાયો નથી. આ રોગના લક્ષણો ફેફસામાં લાગ્યા બાદ શરીરમાં સાયટોકાઇન સ્ટ્રોમ , બ્લડ ક્લોટ તેમજ વાસ્ક્યુલર સિસ્ટમમાં થતી અસરને લીધે જે દર્દોઓ પહેલેથી જ નબળી રોગ-પ્રતિકારક શક્તિ ધરાવે છે તેને ઉચીત સમયે જો સારવાર ના મળે તો મૃત્યુ સુધી લઇ જાય છે.
કોરોના વાયરસ જે લોકોમાં વધુ ફેલાઇ રહયો છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે કો-મોર્બિડિટિ એટલેકે હ્રદયરોગ, ડાયાબીટીસ મેદસ્વિતા શ્વાસ-ફેફસાને લગતી બીમારી તથા બ્લડ પ્રેસર બીજુ મોટી ઉંમર અને ત્રીજુ આ રોગના લક્ષણો દેખાય થયા બાદ તે માટે તેની સારવાર લેવા માટે ઢીલાશ વર્તવી. આપણે આ વાયરસ સાથે સહઅસ્તિત્વની ભાવના સાથે જ જીવતા શીખવું પડશે.
ડૉ. મહર્ષિ દેસાઇના જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯નો વૈશ્વિક સ્તરે મૃત્યું આંકનો સરેરાશ દર ૩-૫% છે. હાલ બેલ્જીયમમાં ડેથ રેટ સૌથી ઉંચો છે. પરંતુ અહીં હેલ્થ કેર સિસ્ટમ યુરોપના તમામ દેશો કરતાં વધુ મજબૂત છે આ પરિસ્થિતિમાં બેલ્જીયમ મહદ અંશે તેના પર નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યો છે. તબિબિ દ્રષ્ટિકોણથી મૃત્યુદરની નિયંત્રીત કરવો મુશ્કેલ હોઇ આપણુ વધુ ધ્યાન દર્દીઓને ઉચિત અને સમયસરની સારવાર મળી રહે તે જોવાનું છે. આ સ્થિતિમાં આપણે ડેથ કંટ્રોલ રેટની જગ્યાએ હોલિસ્ટીક પેશન્ટ કેરની દિશામાં કામગીરી કરી રહ્યા છીએ.
ડૉ. મહર્ષિએ સ્પષ્ટ કર્યું હતું કે કોવિડનો ફેટાલીટી રેટ સામાન્ય રીતે બે મુખ્ય ભાગોમાં વહેચી શકાય. એસિમ્ટોમેટીક વ્યક્તિઓના કિસ્સામાં નોંધાતો ઇન્ફેક્શન ફેટાલીટી રેટ અને ચેપગ્રસ્ત લોકો માટેનો કેસ ફેટાલીટી રેટ(હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવા દર્દીઓ માટે)
ડો.અમી પરીખ અને ડો. આર.કે પટેલ દ્વારા ટ્રિટમેન્ટ અને પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવી હતી. ડો.પરીખના જણાવ્યા અનુસાર કોવિડથી ચેપગ્રસ્ત બનેલા દરદીઓની સારવાર મુખયત્વે ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં રોગની સંકુલિતતાને જાણી જ્યા વાયરસ સામાન્ય રીતે ફેફસા પર અસર કરતો હોય અને શ્વસનની ક્રિયામાં હુમલો કરતો હોય ત્યારે દર્દીને બહારથી ઓક્સિજન આપી અને બાદમાં જરુર જણાય ત્યા મિકિનિકલ વેન્ટીલેટર કરી તેને સામાન્ય બનાવવા પ્રયાસ કરવામા આવે છે. બીજા તબક્કામાં સાયટોકાઈન સ્ટ્રોમની સારવાર સ્ટિરોઈડ્ઝ આપીને કરવામાં આવે છે, જ્યારે વાસ્કુલર થ્રોમ્બોસિઝની સારવાર એટલે કે રક્ત ગંઠાઈ જવાની સારવાર લોહીને પાતળુ કરવાની દવા આપીને કરવામાં આવે છે. આ સારવાર પુર્વે દર્દીના બાયો કેમિકલ રિપોર્ટ હાથ ધરવામાં આવતા હોય છે.
ડો. આર. કે. પટેલના મતે જ્યા જ્યા જરૂર જણાય છે, ત્યા દર્દીઓને ટોસીલીઝુમેબ નામનું ઈન્જેક્શન આપવામા આવે છે. તથા જરુર જણાય ટીશ્યુ પાલ્ઝમિનોઝન એક્ટીવેટરની પદ્ધતિથી મદદથી સારવાર આપવામાં આવે છે.
ડો. વી.એન. શાહે કોરોના વાયરસની છણાવટ કરી વિશ્વભરમાં ૭૦થી વધુ પ્રકારના કોરોના વાયરસ અસ્તિત્વમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણવ્યું હતુ કે A અને B ગ્રુપના વાયરસ છે. જેમા ગ્રુપ A માં આલ્ફા અને બીટા વાયરસના પ્રકાર અસ્તિત્વ ધરાવે છે. આ બીટા પ્રકારના વાયરસ ભારતમાં છે. જે ઘણુખરુ આર.એન.એ. વાયરસ છે.
આ વાયરસ કોવિડ એટલે કે જેનો આકાર મુગુટ આકારનો છે, તેની શૃખંલા આર.એન.એ સાથે જોડાઈને શરીરમાં પ્રવેશે છે. આ પ્રવેશ બાદ ધીરે ધીરે શરીરના રોગપ્રતિકારક તંત્ર પર અસર દેખાડે છે. જે વ્યક્તિઓ ડાયાબિટિસ, કેન્સર, કિડની, મેદસ્વિતા, હ્રદય રોગ, જેવા દર્દથી પીડાય છે તેઓને આ વાયરસની અસર જલ્દીથી થાય છે. જયારે બાકીના કિસ્સામાં આ રોગના લક્ષણ દેખાવામાં ૭થી ૧૪ દિવસનો સમય લાગે છે. જેના લક્ષણોમાં મુખ્યત્વે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેનાથી સમયસર બચવા ઘરે જ પલ્સ ઓક્સિમિટર વસાવીને જ ઘરેથી જ ઓક્સિજનનું લેવલ ચકાસવુ હિતાવહ છે.
ડો. વી.એન શાહે જણાવ્યુ કે કોવિડ સાથે જીવવા માટે, એસ.એમ,એસ.નો મંત્ર આપ્યો. અહી એસ: સેનિટાઈઝેશન, એમ : માસ્ક , એસ: સોશિયલ ડિસ્ટન્સ જેવો થાય છે. સામાન્ય રીતે બે મીટર જેટલુ અંતર રાખી ઘરની બહાર નિકળીએ ત્યારે માસ્ક પહેરી, નિયમિત હાથને ૨૦ સેકન્ડ સુધી આલ્કોહોલિક સેનેટાઇઝર અથવા સાબુની મદદથી સાફ કરવાથી સંક્રમણથી બચી શકાય છે.
ડૉ. દિલિપ માવલંકરે પેંડેમીક વિરુધ્ધ પેનિકડેમીકનો ઉલ્લેખ કરતાં તેમણે કરેલા અભ્યાસનો હવાલો આપીને જણાવ્યુ હતુ કે અમદાવાદમાં વધી રહેલા સંક્રમણના મુખ્ય કારણો ગીચ વસ્તી, વિદેશથી થયેલુ આગમન તથા દર્દીની કોમોર્બિડ પરિસ્થિતિ જવાબદાર છે.
• કોરોના સાથે સહ અસ્તિત્વના પ્રિંસિપલ સાથે જીવવું પડશે...
• સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને રક્ષાત્મક પગલા આપણે જીવનનો ભાગ બનાવવો પડશે..
• કોરોનાથી ડરવાની જરૂર નથી કે કોરોના સામે લડવાની પણ જરૂર નથી.....જરૂર છે માત્ર સાવચેતીથી વર્તવાની..
• સાવચેતીથી જીવશો તો કોરોના તમારું કઈ બગાડી નહીં શકે...
* સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ હાઈજીન, માસ્ક પહેરવા, સ્વચ્છતા જાળવવી તે હવે કોઈ ચોક્કસ સમય પૂરતું મર્યાદિત રાખવાને બદલે આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવવો પડશે...
* 'જે હૃદય રોગના દર્દીઓ નિયમિત અને સંયમપૂર્ણ જીવી રહ્યા છે, ચરી પાડી રહ્યા છે, દવાઓ અને કસરત નિયમિત રીતે કરે છે અને તેમની લાઈફ મેઇન્ટેન કરે છે એવા લોકોએ ગભરાવવાની જરૂર નથી... તેઓ શિસ્ત અને સંયમપૂર્વક જિંદગી જીવી શકે છે.
- ડો.તેજસ પટેલ (હૃદયરોગ નિષ્ણાત)
• કોવિડ-૧૯ દર્દીઓને ટોસીલીઝુમેબ નામનું ઈન્જેક્શન આપવામા આવે છે તથા જરૂર જણાયે ટીશ્યુ પાલ્ઝમિનોઝન એક્ટીવેટરની મદદથી સારવાર આપવામાં આવે છે
• રાજ્યમાં કોવિડ-૧૯ દર્દીઓને નિયત માર્ગદર્શિકા અનુસાર જ સારવાર આપવામાં આવે છે
-ડો. આર. કે. પટેલ (નિયામકશ્રી, યુ. એન. મહેતા હોસ્પિટલ)
* કોરોના પેન્ડેમિક છે, પરંતુ ધીમે-ધીમે પેનીકડેમિક થઈ રહ્યો છે...
* શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થાય ત્યારે લોકોએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ
* રાજ્યમાં પ્રતિમાસ ૩૦,૦૦૦ જેટલા મૃત્યુ જુદા-જુદા કારણોથી થાય છે.
- ડો. દિલીપ માવલંકર
* હેલ્થી ફુડ , પૂરતી ઊંઘ અને વિટામિન- સી તથા ડી સાથે ઝીંક, કોરોનાના પડકાર માટે ઉપયોગી છે
* હળવી કસરત, યોગા- પ્રાણાયામ તથા પ્રફુલ્લિત રહેવું તે અત્યંત જરૂરી છે
* SMS...એસ. ફોર સેનિટાઇઝેશન એમ ફોર માસ્ક અને એસ ફોર સોશિયલ ડિસ્ટન્સ.. આ સૂત્ર પ્રચલિત બનાવવું પડશે
* દરેક માણસે આર્ટ, મ્યુઝિક, કલ્ચર વગેરે જેવા પોતાના શોખમાં પ્રવૃત્તિમય રહે તો હકારાત્મક વાતાવરણ ઉભું થશે
- ડો. વી. એન. શાહ
* વિશ્વમાં મૃત્યુદરનુ પ્રમાણ જુદું જુદું છે ..મૃત્યુદરને નિયંત્રિત કરવો કદાચ શક્ય નથી પરંતુ કોરોના દર્દીને વધુ સારવાર કેવી રીતે આપી શકાય તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે
* હોલિસ્ટિક એપ્રોચથી 'પેશન્ટ કેર' માટે વધુ સારું શું કરી શકીએ..? તેના માટે આ એક્સપર્ટ ડોક્ટર ગ્રુપની રચના કરાઈ છે
- ડો. મહર્ષિ દેસાઈ, એપોલો હોસ્પિટલ
* આ રોગનો વાયરસ ફેફસા ઉપર પણ ઘેરી અસર કરે છે ત્યારે ફેફસા નો ચેપ અટકાવો પણ એટલો જ જરૂરી છે ...
* બધા જ દર્દીઓને આઈ એમ સી આર ની ગાઈડ લાઈન પ્રમાણે જ ટ્રીટમેન્ટ અપાઇ છે...
- ડોક્ટર તુષાર પટેલ ફેફસાના રોગ નિષ્ણાત
• કોવિડથી ચેપગ્રસ્ત બનેલા દ્રદીઓની સારવાર મુખયત્વે ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં રોગની સંકુલિતતાને જાણી જ્યા વાયરસ સામાન્ય રીતે ફેફસા પર અસર કરતો હોય અને શ્વસનની ક્રિયામાં હુમલો કરતો હોય ત્યારે દર્દીને બહારથી ઓક્સિજન આપી અને બાદમાં જરુર જણાય ત્યા મિકિનિકલ વેન્ટીલેટરનો ઉપયોગ કરી તેને સામાન્ય બનાવવા પ્રયાસ કરવામા આવે છે.
• બીજા તબક્કામાં સાયટોકાઈન સ્ટ્રોમની સારવાર સ્ટિરોઈડ્ઝ આપીને કરવામાં આવે છે, જ્યારે વાસ્કુલર થ્રોમબોસિઝની સારવાર એટલે કે રક્ત ગંઠાઈ જવાની સારવાર લોહીને પાતળુ કરવાની દવા આપીને કરવામાં આવે છે. આ સારવાર પુર્વે દર્દીના બાયો કેમિકલ રિપોર્ટ હાથ ધરવામાં આવતા હોય છે.