એપ્રિલ મહિનો ગુજરાતને કોરોના મામલે ખૂબ ભારે પડ્યો છે. એપ્રિલની પહેલી તારીખે જ્યાં ગુજરાત કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં પ્રથમ દસમાં પણ ન હતું, મહિનાના મધ્યભાગ સુધીમાં તો તે પાંચમાં ક્રમે આવ્યાં અને વીસમા દિવસથી જ ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું. ગુરુવારે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે ગુજરાતમાં કુલ 4,395 પોઝિટીવ કેસ નોંધાયા છે જે દેશના કુલ કેસના 13 ટકા છે, જ્યારે 214 મરણના કિસ્સા સાથે આખા ભારતમાં કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તે પૈકી 19 ટકા ગુજરાતના છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ રાજ્યના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને બે મહત્વની જાહેરાત કરી છે. મે મહિનામાં એપીએલ-1ના 61 લાખ જેટલા પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી એક જાહેરાતમાં મા વાત્સલ્ય અને મા અમૃતમના લાભાર્થીઓને કોઇ ઓપરેશન કરાવવું હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે મા અમૃતમ અને મા વાત્સલ્યની હોસ્પિટલમાં જશે તો તેમને કોરોનાનો ટેસ્ટ કરવાનો થશે તો તેનો ખર્ચ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ મળશે. રાજ્ય 77 લાખ કુંટુંબોને લાભ મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે પંચમહાલના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં અટકાવવા દરેક સરપંચ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ એવો સહિયારો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું છે. તેમણે આ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાએ જે અભિગમ અપનાવ્યો છે અને ગામના પ્રવેશદ્વાર પર ચોકીઓ શરૂ કરી છે, ગામમાં આવનારા તથા બહાર જનારા સૌની મૂવમેન્ટ માટે રજીસ્ટર રાખવામાં આવ્યું છે તેને અન્ય ગામો અનુસરે તેવી અપીલ કરી છે.
ગુરુવારે એક સાથે 313 કેસના ઉછાળા સાથે અને તેમાં પણ અમદાવાદના જ સૌથી વધુ 249 કિસ્સા સાથે રાજ્યમાં કોરોનાએ ગુજરાતને જબરદસ્ત રીતે ભરડામાં લીધું છે. આમ જોઇએ તો ગુજરાતમાં એક જ મહિનામાં પોઝિટીવ કેસ 50 ગણાં કરતાં વધી ગયાં છે. પહેલી એપ્રિલે ગુજરાતમાં માત્ર 87 પોઝિટીવ કેસ હતાં જે મહિનાના આખર દિવસે 4,395 થયાં છે. તો આઠ દિવસમાં જ કેસ બમણાં થઇ ગયાં છે. હજુ 21 એપ્રિલે ગુજરાતમાં કુલ પોઝિટીવ કેસ 2,100 આસપાસ હતાં.
એવી જ રીતે મૃત્યુના કિસ્સા જોઇએ તો ગુરુવારે નોંધાયેલાં નવા 17 મરણના કિસ્સા સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 214 છે. પહેલી એપ્રિલે આ આંકડો માત્ર 6નો હતો જે દર્શાવે છે કે એક જ મહિનામાં મૃત્યુનું પ્રમાણ 36 ગણું વધ્યું છે. ગુરુવારે નોંધાયેલા કુલ મૃત્યુના આંકમાં અમદાવાદમાં 12, સૂરતમાં 3 વડોદરામાં 1 જ્યારે આણંદમાં એક કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામ્યાં છે. આ સત્તર પૈકી 5ને બીજી કોઇ બિમારી પણ ન હતી. મૃત્યુ પામનારાઓની ઉંમર 34થી લઇને 80 વર્ષની હતી.