Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

બર્થ ડે સ્પેશ્યલ : સંજીવ કુમારે એક વ્યક્તિના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમણે જીંદગીભર કુંવારા રહેવુ પસંદ કર્યુ

HBD Sanjeev Kumar
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (00:03 IST)
9 જુલાઈ, 1930ના રોજ સૂરતના એક ગુજરાતી પરિવારમાં જન્મેલા સંજીવ કુમારનુ સાચુ નામ હરિહર જરીવાલા હતુ. તેમણે પોતાના લગભગ 25 વર્ષ(1960-1985)લાંબા ફિલ્મી કેરિયરમાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ઈ.સ 1971માં 'દસ્તક' અને 1973માં 'કોશિશ' ફિલ્મને માટે તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ સિવાય તેમણે ત્રણ ફિલ્મ ફેયર પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા જેમાં 'શિખર'(1968)ને માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો અને 'આંધી'(1975) અને 'અર્જુન-પંડિત'(1976)ને માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાના સન્માનનો સમાવેશ થાય છે.
 
સંજીવ કુમારે પોતાના ફિલ્મી સફરની શરૂઆત ઈ.સ 1960માં ફિલ્મ 'હમ હિન્દુસ્તાની'માં બે મિનિટની કે નાનકડી ભૂમિકાથી કરી હતી. ઈ.સ 1962માં રાજશ્રી ફિલ્મ્સે 'આરતી'નામની ફિલ્મના નાયકની ભૂમિકાને માટે તેમનુ ઓડીશન લીધુ. સંજીવકુમારને તે ઓડીશનમાં અસફળ જાહેર કરવામાં આવ્યા હતા.
 
ઈ.સ. 1972માં 'કોશિશ'ફિલ્મથી તેમની અને ગુલઝારની ફિલ્મી જુગલબંદીની શરૂઆત થઈ, જે પાછળથી પાકી દોસ્તીમાં ફેરવાઈ ગઈ. 'કોશિશ'માં તેમણે એક ગૂંગા-બહેરા વ્યક્તિની ભૂમિકાને જીવંત કરતા રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. સંજીવ કુમારે પોતાના શાનદાર અભિનયથી એ સાબિત કરી બતાવ્યુ કે અભિનય શબ્દો પર આધારિત નથી હોતો. તેમણે આંખ અને ચહેરાના અભિનયને કેન્દ્ર બિન્દુ બનાવ્યા. તેમના ભાવ પ્રગટ કરવાની કલા એવી ગજબની હતી કે બીજા અભિનેતા કદાચ લાંબા લાંબા સંવાદો બોલીને પણ ન કરી શકે.
 
કોશિશ,પરિચય, મોસમ, આંધી, નમકીન અને અંગૂર જેવી ફિલ્મો એ અણમોલ હીરા છે જે આ બંનેના તાલમેલથી ફિલ્મી દુનિયાને મળ્યા છે. જો કે ગુલઝારની ઈચ્છા હતી કે તેઓ સંજીવ કુમારને લઈને મિર્જા ગાલિબ પર એક ફિલ્મ બનાવે પરંતુ સંજીવ કુમારનુ અસમયે થયેલા મોતને કારણે તેવો આવુ ન કરી શક્યા.
 
સંજીવ કુમારની વ્યક્તિગત લાઈફ વિશે કહેવાય છે કે તેઓ કોઈ એક વ્યક્તિના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમણે જીંદગીભર કુંવારા રહેવુ પસંદ કર્યુ, તે વ્યક્તિ હતી હેમા માલિની. સંજીવ કુમાર હેમા માલિનીને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ હેમા માલિની એ સમયના હી-મેન અભિનેતા ધર્મેન્દ્રને પ્રેમ કરતી હતી. ધર્મેન્દ્દ્ર પણ પરણેલા હોવા છતા હેમા માલિનીના પ્રેમમાં પાગલ હતા. જેને કારણે સંજીવ કુમારનો પ્રેમ સફળ ન થઈ શક્યો. આ ગંભીર અભિનેતાને પણ કોઈ અપાર પ્રેમ કરતુ હતુ. એ અભિનેત્રી હતી સુલક્ષણા પંડિત. તેણે પોતાનો પ્રેમ સંજીવ કુમાર સામે વ્યક્ત પણ કર્યો હતો, પરંતુ સંજીવ કુમાર તેમનો પ્રેમ ન સ્વીકારી શક્યા. હેમા માલિની દ્વારા લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યા પછી તેઓ કદી બીજીવાર કોઈને પ્રેમ ન કરી શક્યા. આમ પડદાં પર પોતાની દરેક ભૂમિકાને પૂરો ન્યાય આપીને નિભાવનારા આ મહાન કલાકારનુ વ્યક્તિગત જીવન અધુરુ જ રહી ગયુ.
 
સંજીવકુમારને એ વાતનો પાકો વિશ્વાસ હતો કે તેઓ લાંબુ જીવન નહી જીવી શકે, કારણકે તેમના પરિવારમાં છેલ્લી ઘણી પેઢીઓમાં કોઈ પુરૂષ સભ્ય 50 વર્ષની વય પાર નથી કરી શક્યુ. અને ખરેખર, પોતાની અનેક ફિલ્મોમાં પ્રોઢ વ્યક્તિની ભૂમિકા ભજવનારા સંજીવ કુમાર 6 નવેમ્બર, 1985ના રોજ માત્ર 47 વર્ષની અવસ્થામાં આ ફાની દુનિયાને છેલ્લી સલામ કરી ગયા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- majedar Gujarati jokes