સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે આખો દિવસ હેડલાઇન્સમાં છવાયેલો રહ્યો. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2'ના પ્રીમિયર દરમિયાન 35 વર્ષની મહિલાના મોતના સંબંધમાં હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દિવસ દરમિયાન, હૈદરાબાદ પોલીસ અલ્લુ અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં અભિનેતાની પૂછપરછ કરવામાં આવી. બાદમાં, તેને સ્થાનિક અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો, જોકે તેને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જામીન બાદ પણ તમામ પ્રક્રિયા પૂર્ણ ન થતાં અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડશે અને શનિવારે સવારે જ તેને મુક્ત કરવામાં આવશે.
અલ્લુ અર્જુનની ધરપકડ કેમ કરવામાં આવી?
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'પુષ્પા-2' 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ પહેલા જ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેનું પ્રીમિયર યોજાયું હતું. અહીં ભીડ વધી જતાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. મહિલાની ઉંમર 35 વર્ષની હતી. મહિલાના મૃત્યુ બાદ પોલીસે આ મામલે અલ્લુ અને થિયેટરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હવે આ મામલે કાર્યવાહી કરતા પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુન અને તેના બોડીગાર્ડ સંતોષની ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસ અલ્લુ અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે, જ્યાં તેની આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
નીચલી અદાલતે 14 દિવસના રિમાન્ડ આપ્યા હતા
તમને જણાવી દઈએ કે આ પહેલા નીચલી કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની મંજૂરી આપી હતી. આ પછી મામલો હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હાઈકોર્ટે અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. જોકે, સાંજે જામીન મંજૂર થતાં તેને મુક્ત કરી શકાયો ન હતો. હવે અલ્લુ અર્જુન શુક્રવારની રાત પોલીસ લોકઅપમાં વિતાવશે અને શનિવારે સવારે તેને મુક્ત કરવામાં આવશે. અલ્લુ અર્જુનની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનની બહાર ચાહકો પણ હાજર હતા.