Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીનના વિરોધ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૉંગકૉંગના પ્રદર્શનકારીઓને ટેકો આપતા બિલને મંજૂરી આપી દીધી છે.

ચીનના વિરોધ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૉંગકૉંગના પ્રદર્શનકારીઓને ટેકો આપતા બિલને મંજૂરી આપી દીધી છે.
, શુક્રવાર, 29 નવેમ્બર 2019 (18:32 IST)
ચીનના વિરોધ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૉંગકૉંગના પ્રદર્શનકારીઓને ટેકો આપતા બિલને મંજૂરી આપી દીધી છે.
 
'ધ હૉંગ કૉંગ હ્યુમન રાઇટ્સ ઍન્ડ ડેમૉક્રસી ઍક્ટ' મુજબ, ચીનના પ્રભાવથી હૉંગકૉંગની સ્વાયત્તતા જળવાય રહે, તે બાબતની દર વર્ષે અમેરિકા દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવશે.
 
ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને હૉંગકૉંગના રહેવાસીઓનું સન્માન કરે છે, છતાં તેમણે ખરડા ઉપર સહી કરી છે.
 
ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ચીન વચ્ચેના અગાઉથી જ તંગ સંબંધોમાં કડવાશ વધશે એવું માનવામાં આવે છે. અગાઉ પણ હૉંગકૉંગ મુદ્દે દખલ ન દેવા ચીને અમેરિકાને જણાવ્યું હતું.
webdunia
મંગળવારે ચીનની સરકારે બિજિંગ ખાતે અમેરિકાના રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે 'જો અમેરિકા આ બિલને મંજૂરી આપે તો પછી તેના પરિણામ ભોગવવા પણ તૈયાર રહે."
 
અમેરિકા અને ચીન વચ્ચે પ્રવર્તમાન ટ્રૅડવૉરનો અંત આણવા માટે એક સંધિ ઉપર બંને દેશ વિચારણા કરી રહ્યા છે.
 
શા માટે સહી કરી?
 
અમેરિકાના રાષ્ટ્રપતિ હૉંગકૉંગવાસીઓ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, પરંતુ બિલ ઉપર સહી કરવા અંગે તેઓ પ્રતિબદ્ધ ન હતા, પરંતુ સંસદના દબાણ બાદ તેમણે આ બિલ ઉપર સહી કરવી પડી.
 
અનેક સંસદસભ્ય આ બિલનું સમર્થન કરી રહ્યા હતા, જો ટ્રમ્પે વિટો વાપરીને આ બિલને અટકાવી દીધું હોત, તો પણ સંસદસભ્યો તેમના આ નિર્ણયને બદલાવી શક્યા હોત.
 
આ સિવાય અન્ય એક બિલ ઉપર પણ ટ્રમ્પે સહી કરી છે, જે હૉંગકૉંગ પોલીસને સ્ટનગન, રબર બુલેટ અને આંસુગૅસ સહિતનાં હથિયારો વેચવા ઉપર નિયંત્રણ લાદે છે.
 
ટ્રમ્પે કહ્યું, "આ બંને બિલ દ્વારા અમે એ બાબતની ખાતરી કરવા માગીએ છીએ કે ચીન અને હૉંગહૉંગના પ્રતિનિધિ સાથે મળીને સ્થિતિને સુધારવા માટે પ્રયાસ કરે."
 
ટ્રમ્પે બંને પક્ષોએ તેમના પરસ્પરના મતભેદ ભૂલાવીને આગળ વધવા પણ સલાહ આપી હતી.
 
 
બિલમાં શું છે?
 
બિલમાં જણાવ્યા પ્રમાણે, "હૉંગકૉંગએ ચીનનો હિસ્સો છે, પરંતુ કાયદાકીય તથા આર્થિક રીતે તેનાથી અલગ છે."
 
"વાર્ષિક સમીક્ષા દ્વારા એ વાત સુનિશ્ચિત કરવામાં આવશે કે હૉંગકૉંગના નાગરિકોની સ્વતંત્રતા જળવાય રહે અને નિયમ મુજબ જ ત્યાં વહીવટ ચાલે."
 
હૉંગકૉંગ સાથેના વિશેષ વ્યાપારિક દરજ્જાને જાળવી રાખવા માટે અમેરિકાએ આમ કરવું જરૂરી છે. ચીન સાથેના ટ્રૅડવૉરથી હૉંગકૉંગ સાથે અમેરિકાના વેપાર ઉપર કોઈ અસર નહીં થાય.
 
બિલની જોગવાઈ પ્રમાણે, જે લોકો હૉંગકૉંગમાં અહિંસક પ્રદર્શન કરી રહ્યા છે, તેમને અમેરિકાના વિઝા મળશે.
 
 
હૉંગકૉંગ વિવાદની પૃષ્ઠભૂમિ
 
હૉંગકૉંગવાસીને ચીન સાથે પ્રત્યાર્પિત કરવાના કાયદાને મંજૂરી આપતું બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
 
જેની સામે વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં અને તેણે લોકતંત્રના સમર્થનમાં આંદોલનનું સ્વરુપ ધારણ કરી લીધું.
 
છેલ્લા લગભગ છ મહિનાથી હૉંગકૉંગમાં લોકશાહીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું રહ્યું છે.
 
રવિવારે હૉંગકૉંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, જેમાં 18માંથી 17 બેઠક ઉપર લોકશાહી સમર્થક કાઉન્સિલર્સ ચૂંટાઈ આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતને અમેરિકાના ક્રૂડઑઈલથી શો લાભ થશે?