Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનની જેલમાં કેદ એ ડૉક્ટરની કહાણી જે અમેરિકા માટે હીરો છે

પાકિસ્તાનની જેલમાં કેદ એ ડૉક્ટરની કહાણી જે અમેરિકા માટે હીરો છે

એમ ઇલિયાસ ખાન

, ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (14:33 IST)

એ પાકિસ્તાની ડૉક્ટર જેમની પર ઓસામા બિન લાદેનને શોધવામાં અમેરિકાની મદદ કરવાનો આરોપ લગાવાયો છે, તેઓ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે અને પાકિસ્તાનની કોર્ટમાં પોતાના છૂટકારા માટેની અરજીની સુનાવણી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

આજથી પેશાવર હાઈકોર્ટ ડૉ. શકીલ અફરીદીના કેસની સુનાવણી શરૂ થઈ. પહેલી વાર તેમના કેસની સુનાવણી ઓપન કોર્ટમાં થશે.

તેમની પર ક્યારેય ઔપચારિકપણે વર્ષ 2011માં ઓસામા બિન લાદેનને શોધીને ઠાર મારવામાં અમેરિકાની મદદ કરવાનો આરોપ લગાવાયો નથી.

ડૉ. અફરીદી હંમેશાંથી ફરિયાદ કરતાં રહ્યા છે કે તેમના કેસની ક્યારેય નિષ્પક્ષ સુનાવણી કરાઈ નથી.

નોંધનીય છે કે ડૉ. અફરીદીની ધરપકડના કારણે અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સહાયમાં 3.3 કરોડ ડૉલરનો કાપ મૂક્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન કહ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ ડૉ. અફરીદીને માત્ર "2 મિનિટ"માં છોડાવી લેશે, પરંતુ એવું ક્યારેય ન બની શક્યું.

અમેરિકામાં ડૉ. અફરીદીને હીરો મનાય છે જ્યારે પાકિસ્તાનમાં તેમને રાજદ્રોહી માનવામાં આવે છે, જેની અપાયેલી માહિતી મારફતે અમેરિકાના નેવી સીલના સૈનિકો ના માત્ર ઓસામાને શોધવામાં સફળ રહ્યા, પરંતુ તેમનો ખાતમો કરીને તેમનું શબ પણ પોતાની સાથે લઈ ગયા.

નોંધનીય છે કે આ કાર્યવાહી દરમિયાન અમેરિકાના સૈનિકો માટે પાકિસ્તાનની સેના કે સરકાર કોઈ પણ જાતનો પડકાર ઊભો કરી શકી નહોતી.

આ કાર્યવાહી બાદથી જ એ વાતની ચર્ચા થવા લાગી કે શું પાકિસ્તાનની સેનાને ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં સંતાયેલા છે એ વાતની જાણકારી પહેલાંથી જ હતી?

જોકે, પાકિસ્તાન અમેરિકાના વડપણ હેઠળ ચાલી રહેલા ઉગ્રવાદવિરોધી સંઘર્ષમાં હાલ પણ મને-કમને સાથ આપી રહ્યું છે.
 

શકીલ અફરીદી કોણ છે?


ડૉ. અફરીદી ખૈબર નામક આદિવાસી જિલ્લાના ટોચના ડૉક્ટર હતા, તેઓ ત્યાં સ્વાસ્થ્ય સેવાઓના પ્રમુખ તરીકે અમેરિકાની મદદથી ચાલતા રસીકરણ કાર્યક્રમોના નિરીક્ષક પણ હતા.

એક સરકારી કર્મચારી તરીકે તેમણે આ વિસ્તારમાં એબટાબાદ સહિતના ક્ષેત્રોમાં આવા જ એક હૅપટાઇટિસ બી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી.

આ કાર્યક્રમના કારણે સામે આવ્યું કે ઓસામા બિન લાદેન પાકિસ્તાની સેનાની નાક નીચે જ સંતાયેલા હતા.

એબટાબાદની એ ઇમારતમાં સંતાયેલી વ્યક્તિ ઓસામા બિન લાદેન જ છે એ જાણવા માટે અમેરિકા દ્વારા એ ઇમારતમાંથી એક બાળકના લોહીનો નમૂનો મેળવવાની યોજના બનાવાઈ હતી. જેથી એ નક્કી થઈ શકે કે તેઓ ઓસામાના સંબંધીઓ જ છે.

એવી ધારણા છે કે ડૉ. અફરીદીના સ્ટાફની એક વ્યક્તિ દ્વારા એબટાબાદની એ ઇમારતમાં જઈને લોહીનો નમૂનો લેવામાં આવ્યો હતો, પરંતુ આ કથિત આયોજનના કારણે જ અમેરિકા લાદેનને શોધી શક્યું એ વાતની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

ડૉ. અફરીદીની ઓસામા બિન લાદેનના મૃત્યુના 20 દિવસ બાદ એટલે કે 23 મે, 2011ના રોજ ધરપકડ કરાઈ હતી. એ સમયે તેમની ઉંમર 45થી 50 વર્ષ સુધીની હોવાનું મનાય છે.

તેમના વ્યક્તિગત જીવન વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. તેમના જીવન વિશે માત્ર એટલી જ માહિતી ઉપલબ્ધ છે કે તેઓ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમણે 1990માં ખૈબર મેડિકલ કૉલેજમાંથી ડૉક્ટરની ડિગ્રી મેળવી હોવાનું કહેવાય છે.

તેમની ધરપકડ બાદથી જ તેમનો પરિવાર ઉગ્રવાદી હુમલાની બીકના કારણે છૂપું જીવન વીતવવા માટે મજબૂર બન્યો છે.

તેમનાં પત્ની એક સરકારી સ્કૂલનાં પ્રિન્સિપલ હતાં. તેમનાં બે પુત્રો અને એક પુત્રી સહિત ત્રણ બાળકો છે. તેમનાં બાળકો પૈકી બે બાળકો તો હવે પુખ્ત પણ થઈ ચૂક્યાં છે.

જાન્યુઆરી, 2012માં અમેરિકાના અધિકારીઓએ જાહેરમાં કબૂલ્યું પણ હતું કે ડૉ. અફરીદી અમેરિકા માટે કામ કરી રહ્યા હતા.

પરંતુ તેમને અમેરિકાના આ મિશનમાં તેમની ભૂમિકા વિશે કેટલી જાણકારી હતી એ સ્પષ્ટ નથી.

પાકિસ્તાનની તપાસ પ્રમાણે જ્યારે તેમને અમેરિકન એજન્સી સીઆઈએ દ્વારા આ કામ માટે નીમવામાં આવ્યા ત્યારે તેમને એ વાતનો જરા પણ ખ્યાલ નહોતો કે અમેરિકાના આ અભિયાનનું લક્ષ્ય કોણ છે.

તેઓ કયા ગુનાની સજા ભોગવી રહ્યા છે?


શરૂઆતમાં તેમની ધરપકડ રાજદ્રોહના આરોપસર કરાઈ હતી, પરંતુ બાદમાં મે, 2012 જ્યારે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા ત્યારે તેમની પર લશ્કર-એ-ઇસ્લામ નામના હાલ નિષ્ક્રિય થઈ ચૂકેલા પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનને નાણાકીય સહાય આપવાના આરોપો પુરવાર થયા હતા.

ટ્રાઇબલ કોર્ટ દ્વારા તેમને 33 વર્ષની જેલની સજા સુણાવાઈ હતી, જે બાદમાં અરજીને પગલે ઘટાડીને 23 વર્ષ કરી દેવાઈ હતી.

આ સિવાય તેમની પર આ ઉગ્રવાદી સંગઠનને આપાતકાલીન મેડિકલ સેવાઓ પૂરી પાડવાનો અને આ સંગઠનને સરકારી હૉસ્પિટલમાં બેઠકો યોજવાની પરવાનગી આપવાના આરોપો લગાવવામાં આવ્યા છે.

તેમના પરિવાર દ્વારા આ આરોપોને નકારવામાં આવ્યા છે. તેમજ તેમના વકીલો દ્વારા દલીલ કરાઈ હતી કે જ્યારે વર્ષ 2008માં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતુ, ત્યારે માત્ર એક વખત જ તેમણે પોતાને છોડી મૂકવા માટે આ સંગઠનને 10 લાખ પાકિસ્તાની રૂપિયા ચૂકવ્યા હતા.

તેમણે વર્ષ 2012માં ફૉક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સે તેમનું અપહરણ કરીને શારીરિક-માનસિક યાતનાઓ આપી હતી.

એક વર્ષ બાદ તેઓ પોતાના વકીલો સુધી એક પત્ર પહોંચાડવામાં સફળ રહ્યા હતા, જેમાં તેમણે લખ્યું હતું કે તેમને ન્યાયથી વંચિત રખાઈ રહ્યા છે.

તો પછી તેમના પર અમેરિકાને મદદ કરવાનો આરોપ કેમ નથી મુકાયો?


એ અંગે કશું જ સ્પષ્ટ નથી, પરંતુ બિન લાદેનવાળી આ ઘટના પાકિસ્તાનને અત્યંત મૂંઝવણમાં મૂકે એવી હતી.

લાદેનની હત્યાના અમેરિકાના અભિયાનને પાકિસ્તાનના અધિકારીઓએ દેશના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો હતો.

તેમજ આ ઘટના બાદ પાકિસ્તાની ઇન્ટેલિજન્સે જાહેરમાં કબૂલવું પડ્યું હતું કે તેમને અલ-કાયદાના સ્થાપક અને પ્રમુખ ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં ત્રણ માળની ઇમારતમાં વર્ષોથી છૂપાયેલા હતા એ વાતની બિલકુલ ખબર નહોતી.

અમેરિકાની સરકારના એ સમયના કાઉન્ટર-ટેરરિઝમ ચીફ, જૉન બ્રેનને આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "બિન લાદેનને સ્થાનિક મદદ નહોતી મળતી એ વાત બિલકુલ માની શકાય એવી નથી." જોકે, તેમના આ આરોપો પાકિસ્તાનની સરકાર દ્વારા નકારી દેવાયા હતા.

પરંતુ ડૉ. અફરીદી પર અમેરિકાને મદદ કરવાના આરોપમાં કામ ચલાવવામાં આવે તો એ બાબત પાકિસ્તાન માટે ખૂબ જ શરમજનક સાબિત થઈ હોત.

પરંતુ તેમના કેસની સુનાવણી છેક હવે કોર્ટમાં કેમ શરૂ થઈ રહી છે?

અત્યાર સુધી તેમની પર બ્રિટિશકાળ દરમિયાન બનાવાયેલા ફ્રન્ટિયર ક્રાઇમ રેગ્યુલેશન હેઠળ જે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમાની આસપાસના અર્ધ-સ્વાયત આદિવાસી વિસ્તારો પર લાગુ પડે છે તે હેઠળ કામ ચલાવાઈ રહ્યું હતું.

આ આદિવાસી અદાલતોમાં પ્રમુખપદ વહીવટીતંત્રના સરકારી અધિકારી પાસે હોય છે. તેમની સહાયતા માટે આદિવાસી લોકો પૈકી નીમાયેલા નમ્ર સ્વભાવના વૃદ્ધોની પરિષદ બનાવવામાં આવે છે અને આ આખું તંત્ર કાયદાની સ્થાપિત પ્રક્રિયાનું પાલન કરવા બંધાયેલું નહોતું.

જાહેર જનતાનું ધ્યાન ડૉ. અફરીદી પર ન પડે તેવી રીતે તેમને કાયદાની પ્રક્રિયામાં સપડાવવા માટેની આ એક વ્યૂહરચના હતી.

પરંતુ ગયા વર્ષે આ આદિવાસી વિસ્તારોનું ખૈબર પશ્તૂનવા પ્રાંતમાં વિલય કરી દેવાતાં આ તમામ કેસોની સુનાવણી હવે પાકિસ્તાનની સામાન્ય અદાલતોમાં કરાશે.

આજની સુનાવણી દરમિયાન તેમની સજામાં ઘટાડો અથવા વધારો થઈ શકે છે.

ગયા વર્ષે તેમને પેશાવર જેલમાંથી પંજાબની જેલમાં મોકલી દેવાતાં એ વાતની ચર્ચા શરૂ થઈ હતી કે કદાચ તેમને અમેરિકાની જેલમાં બંધ કથિત અલ-કાયદાના ઉગ્રવાદી આફીઆ સિદ્દીકીનો કબજો મેળવવા બદલ પાકિસ્તાનની જેલમાંથી છોડી મુકાશે.

 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તુર્કીને સીરિયા પર હુમલો કરવાનું અમે કહ્યું નથી : અમેરિકા