Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઊંઘ વિશેની એવી માન્યતાઓ જે તમારી તબિયત બગાડી રહી છે

ઊંઘ વિશેની એવી માન્યતાઓ જે તમારી તબિયત બગાડી રહી છે

જેમ્સ ગેલેઘર,

, શુક્રવાર, 26 એપ્રિલ 2019 (14:16 IST)
જેમ્સ ગેલેઘર,
 
ઊંઘ વિશેની વ્યાપક રીતે ફેલાયેલી માન્યતાઓને કારણે આપણી તબિયત અને મૂડ પર અસર પડી રહી છે. સાથે જ આપણું આયુષ્ય પણ તેનાથી ઘટી જાય છે એમ સંશોધકો કહે છે. ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની ટીમે રાતની ગાઢ ઊંઘ વિશે ફેલાયેલી કેટલીક સર્વસાધારણ માન્યતાઓ જાણવા માટે ઇન્ટરનેટમાં તપાસ કરી હતી. આવી માન્યતાઓ સામે વિજ્ઞાની પુરાવા મૂકીને ચકાસણી કરવામાં આવી હતી અને તે રીતે તૈયાર થયેલા અભ્યાસોને સ્લીપ હેલ્થ નામના સામયિકમાં પ્રગટ કરવામાં આવ્યા હતા.
 
આ ટીમના સભ્યોને આશા છે કે ઊંઘ વિશેની માન્યતાઓને ખોટી ઠરાવીને તેઓ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારું કરવામાં મદદરૂપ થઈ શકશે.
 
જાણી લો તમારામાંથી કેટલા આવી માન્યતામાં ફસાયા છે?
 
માન્યતા 1 - પાંચેક કલાકની ઊંઘ મળી ગઈ એટલે બહુ થયું
 
આ એવી માન્યતા છે કે દૂર થતી જ નથી. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ દાવો કરે છે કે રાત્રે ચારેક કલાકની ઊંઘથી તેમનું કામ ચાલી જાય છે. બિઝનેસમૅન અને આન્ત્રપ્રિન્યોર સફળતા માટે ઊંઘના ભોગે લાંબા કલાકો કામ કરતા રહેતા હોય તે વાત નવી નથી. આમ છતાં સંશોધકો કહે છે કે પાંચેક કલાકની ઊંઘ કરી લેવાથી કામ ચાલી જાય છે તેવી માન્યતા તબિયતને સૌથી વધુ નુકસાન કરનારી છે. સંશોધક ડૉ. રૅબેકા રોબિન્સ કહે છે, "અમારી પાસે એવા પૂરતા પુરાવા છે કે તમે લાંબો સમય પાંચ કલાકથી ઓછી ઊંઘ લો તો તમારા આરોગ્ય પર અવળી અસરો પડી શકે છે,"
 
હાર્ડ ઍટેક અને લકવા જેવા રોગો તેના કારણે થઈ શકે છે અને સાથે જ આયુષ્ય પણ ઓછું થઈ શકે છે. તેઓ ભલામણ કરે છે કે દરેકે રાત્રે ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની એકધારી ઊંઘ લેવાની કોશિશ કરવી જોઈએ.
 
માન્યતા 2 - સૂતા પહેલાં આલ્હોકોલ લેવાથી ઊંઘ આવી જાય છે
 
એકાદ ગ્લાસ વાઇન હોય કે વ્હિસ્કીનો પેગ કે પછી બિયરનું કેન પી લેવાથી હળવા થઈ જવાય અને સૂઈ જવાય તે માન્યતા ખોટી છે એમ ટીમનું કહેવું છે. "તેના કારણે તમને ઊંઘ આવવા લાગશે એ ખરું, પણ આલ્કોહોલને કારણે તે રાતની તમારી ઊંઘની ગુણવત્તા ઓછી થઈ જશે," એમ ડૉ. રોબિન્સ કહે છે. ખાસ કરીને તેના કારણે ઊંઘના REM (રેપિડ આય મૂવમેન્ટ) તબક્કા પર અસર પડે છે. આ તબક્કો યાદદાસ્ત દૃઢ કરવા માટે અને શીખેલું યાદ રાખવા માટે જરૂરી છે. ટૂંકમાં દારૂના કારણે તમે તરત ઘોરવા માંડશો, પણ તેના કારણે ઊંઘના કેટલાક ફાયદા તમને પૂરતા પ્રમાણમાં મળશે નહીં. આલ્કોહોલને કારણે વાંરવાર તમારે પેશાબ કરવા માટે પણ જવું પડે અને તેના કારણે પણ તમારી સતત ઊંઘમાં ખલેલ પડી શકે છે.
 
માન્યતા 3 - પથારીમાં પડ્યા પડ્યા ટીવી જોવાથી રિલેક્સ થઈ શકાય છે
 
શું તમે એવું વિચારો છો કે "ઊંઘતા પહેલાં થોડા હળવા થવાની મારે જરૂર છે અને તેના માટે મારે ટીવી જોવું પડશે"?
 
વેલ, મોડી રાત સુધી ટીવી જોયા કરવું તે તમારી ઊંઘ માટે હાનિકારક છે. ડૉ. રોબિન્સ સમજાવે છે: "મોટા ભાગે આપણે રાત્રે ટીવી જોઈએ તે રાતના સમાચારો હોય છે. તેના કારણે ઊલટાનું તમને અનિદ્રા થઈ શકે છે કે ઊંઘતા પહેલાં તમને તણાવમાં મુકી શકે છે."
 
ગૅમ્સ ઑફ થ્રોન્સ જેવી સિરિયલો જોવાને કારણે પણ દિમાગ હળવું થાય તેવું બનવાનું નથી. સ્માર્ટફોન અને ટેબ્લેટની જેમ ટીવીની એક સમસ્યા એ પણ છે કે તેના સ્ક્રીનમાંથી બ્લ્યૂ લાઇટ નીકળે છે. ઊંઘ માટે જરૂરી હોર્મોન મૅલાટોનિન ઉત્પન્ન થવામાં આ બ્લ્યૂ સ્ક્રીન અવરોધ ઊભો કરે છે.
 
માન્યતા 4 - ઊંઘ ના આવતી હોય તો પણ પથારીમાં પડ્યા રહો
 
તમે ઊંઘ આવી જાય એટલા માટે વારેવારે પડખા બદલ્યા કરો કે પછી ઘેટાં ગણ્યાં કરો. એમ કરતાં આખા દેશમાં હોય એટલાં ઘેટાં ગણી નાખશો એવું બને. પથારીમાં આળોટ્યા છતાં ઊંઘ ના આવે તો શું કરવું? તેનો જવાબ એ છે કે પરાણે ઊંઘ લાવવાની કોશિશ ના કરો.
 
ડૉ. રોબિન્સ કહે છે, "આપણે પથારીને અનિદ્રા સાથે જોડતા થઈ જઈએ છીએ."
 
"તંદુરસ્ત વ્યક્તિ પથારીમાં પડ્યા પછી પંદરેક મિનિટમાં ઊંઘમાં સરકી જઈ શકે છે. તેનાથી વધારે સમય લાગે તો પછી પથારીમાંથી ઊભા જ થઈ જાવ. થોડો માહોલ બદલો અને કંઈ પણ આડીઅવળી પ્રવૃત્તિ કરો."
 
ડૉ. રોબિન્સની ટીપ - તમારા મોજાંને બરાબર ગડી કરીને ગોઠવો.
 
માન્યતા 5 - ઍલાર્મને વાગતો અટકાવી દેવું
 
એલાર્મ વાગે એટલે તરત જ સ્નૂઝ બટન ના દબાવ્યું હોય તેવા કેટલા લોકો હશે? આપણે વિચારીએ કે વધુ પાંચેક મિનિટ પથારીમાં પડ્યા રહેવાથી સુસ્તી ઊડી જશે. જોકે, સંશોધક ટીમ કહે છે કે ઍલાર્મ વાગે કે તરત જ બેઠા થઈ જાવ. ડૉ. રોબિન્સ કહે છે: "તમને થોડી સુસ્તી લાગતી હશે - બધાને એવી સુસ્તી લાગે જ - તો પણ સ્નૂઝ બટન દબાવી એમ જ થોડી વાર પડી રહેવાની લાલચ ટાળો. 
 
"તમે પડ્યા રહેશો તેના કારણે શરીર ફરી ઊંઘવા લાગશે, પણ તે બહુ ઉપરછલ્લી અને ગુણવત્તા વિનાની ઊંઘ હશે."
 
તેના બદલે પરદા ખોલી નાખો અને તમારા શરીરને શક્ય એટલો પ્રકાશ મળે તેવું કરો તેવી સલાહ આપવામાં આવે છે.
 
માન્યતા 6 - નસકોરાથી કંઈ નુકસાન ના થાય
 
નસકોરા બોલાવવા આમ હાનિકારક ના હોય પણ તે ઊંઘની એક મુશ્કેલી ઊણપ હોઈ શકે છે. આવી મુશ્કેલી હોય ત્યારે ગળાની દીવાલો રિલેક્સ થાય છે અને ઊંઘ દરમિયાન સંકોચાય છે, જેના કારણે ઊંઘ દરમિયાન થોડીવાર માટે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિ હોય ત્યારે વ્યક્તિને હાઇ બ્લડ પ્રેશર થઈ શકે છે. તેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થાય અને હાર્ટ ઍટેકેની શક્યતા પણ ઊભી થાય. વધુ પડતા જોરથી નસકોરા બોલતા હોય તે જોખમની નિશાની છે.
 
ડૉ. રોબિન્સ અંતે કહે છે, "આજે રાત્રે સરસ મજાની લાંબી ઊંઘ લઈએ તે આપણા સૌના સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. આપણા મૂડ, આપણી સુખાકારી અને લાંબા આયુષ્ય માટે પણ લાંબી અને ગાઢ નિંદર જરૂરી છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાહ રે વિકાસ વાહઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે દર્દીઓનું લાબું વેઇટિંગ લિસ્ટ