Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ઇશરતનું ઍન્કાઉન્ટર ન થયું હોત તો ગુજરાતમાં બહેન-દીકરીઓ રાત્રે ફરી શકતી ન હોત'

'ઇશરતનું ઍન્કાઉન્ટર ન થયું હોત તો ગુજરાતમાં બહેન-દીકરીઓ રાત્રે ફરી શકતી ન હોત'
, ગુરુવાર, 2 મે 2019 (19:12 IST)
સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પૂર્વ પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાંથી મુક્ત કરી દીધા છે.
ગુજરાત સરકારે આ પહેલાં બંને અધિકારીઓ સામે સીબીઆઈને સીઆરપીસીની કલમ 197 અંતર્ગત કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી આપી ન હતી.
જે બાદ વણઝારા અને અમીને કોર્ટમાં તેમની સામે ચાલતી કાર્યવાહી પડતી મૂકવા માટે અરજી કરી હતી.
ગુરુવારે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચુકાદો સંભળાવતા બંને નિવૃત અધિકારીઓને આ કેસમાંથી મુક્ત કર્યા છે.
આ પહેલાં કોર્ટે 16 એપ્રિલના રોજ આ કેસમાં સુનાવણી પૂર્ણ કરી હતી.
વણઝારા અને અમીન બંને ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં આરોપીઓ હતા.
 
ડી.જી.વણઝારાના વકીલે શું કહ્યું?
ડી.જી. વણઝારાના વકીલ વિનોદ ગજ્જરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "કોર્ટે માન્યું છે કે ઍન્કાઉન્ટર જેન્યૂઇન છે ત્યારે ગુજરાત પોલીસનું મનોબળ વધ્યું છે. જે તે વખતે ઍન્કાઉન્ટર ન થયાં હોત તો ગુજરાતમાં આતંકવાદ પગ કરી ગયો હોત અને ગુજરાત બીજું કાશ્મીર હોત. જો આ ઍન્કાઉન્ટર ન થયું હોત તો ગુજરાતમાં આપણી બહેન-દીકરીઓ જે રાત્રે ફરી શકે છે એ ન ફરી શકતી હોત. કોર્ટે વણઝારા અને અમીન સામેની કાર્યવાહી પડતી મૂકી છે."
"આમાં કોર્ટનાં જે તારણ (ફાઇન્ડિંગ્સ) છે તે ખૂબ સ્પષ્ટ છે કે આ અથડામણ (ઍન્કાઉન્ટર) જેન્યૂઇન છે. દરેક અધિકારીએ પોતાની પોલીસ તરીકેની ફરજ બજાવી છે. એટલે આ ઍન્કાઉન્ટર અંગે અત્યાર સુધી જે શંકાકુશંકા હતી તે બધું જ દૂર કરવું જોઈએ."
રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી નહોતી આપી તેથી તેમની સામેની કાર્યવાહી પડતી મૂકવામાં આવી છે. એ વિશે જણાવતા વિનોદ ગજ્જરે કહ્યું હતું કે "રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી નહોતી આપી એેની સાથે વિગતપૂર્ણ કારણો પણ રજૂ કર્યાં હતાં. ઇન્વેસ્ટિગેશનના કાગળો જોતા પણ જણાય છે કે આ અધિકારીઓએ ફરજ બજાવી છે. તેમની સામે કોઈ પુરાવો નથી. એટલે જ રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી નહોતી આપી."
વિનોદ ગજ્જરે કહ્યું, "અગાઉ પી.પી. પાંડેયની ડિસ્ચાર્જ અરજી કોર્ટે નિર્ણીત કરી ત્યારે આ જ કોર્ટનું તારણ હતું કે એ લોકોને પોલીસની નાકાબંદી કરાઈ હતી એ સાચી હતી. તેમને કન્ફાઇન કરીને કોઈ પણ જગ્યાએ ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા નથી. એ લોકો આતંકવાદી હુમલો કરવા માટે જ આવ્યા હતા અને દરેક અધિકારીએ પોતાની ફરજ બજાવી છે."
"જો ફરજ ન બજાવી હોત તો એનું ગુજરાત માટે પરિણામ ઘણું ગંભીર હોત. એ જે ઑર્ડર હતો તે આજ સુધી કોઈએ કોઈ પણ કોર્ટમાં પડકાર્યો નથી."
"કલમ-197ની મંજૂરી સરકારી ફરજના ભાગરૂપે કૃત્ય થયું છે એટલે જોઈએ એવું તારણ આપીને કોર્ટે પી. પી. પાંડેયને છોડ્યા હતા. એ જ લાઇન પર અમારી અરજી હતી. પણ અમારામાં કોર્ટે સીબીઆઇને કહ્યું કે તમે સેંક્શન લાવો અથવા સ્પષ્ટ કરો.
ઇશરત જહાંનાં માતા શમીમા કૌશરે પોતાની અરજીમાં અગાઉ કહ્યું હતું કે "કલમ-197 અનુસાર લોકસેવક પર ખટલો ચલાવવા માટે મંજૂરીની જરૂર હોય છે, પરંતુ આ મામલામાં એ લાગુ નથી થતું, કારણ કે આ અપહરણ, કેદમાં રાખવાનો તેમજ હત્યાનો મામલો છે. જે લોકસેવકની ફરજના દાયરામાં નથી આવતું."
વિનોદ ગજ્જરે આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, "ઇશરત જહાંની માતા 2007થી એવું ખોટું જ કહ્યા જ કરે છે. એ ખોટી અરજીઓના કારણે જ અત્યાર સુધી રાજ્યના આ પ્રામાણિક અધિકારીઓ સાત-આઠ વર્ષ જેલમાં રહ્યા."
"આ ગુજરાત પોલીસનું મનોબળ નબળું કરવાની વાત હતી. છેવટે કોર્ટે માન્યું છે કે ઍન્કાઉન્ટર જેન્યૂઇન છે ત્યારે ગુજરાત પોલીસનું મનોબળ વધ્યું છે."
 
 
રાજ્ય સરકાર પાસે મંજૂરી શા માટે લેવી પડે?
સીઆરપીસી એક્ટની કલમ 197માં એવી જોગવાઈ છે કે કોઈ પણ સરકારી કર્મચારીએ ફરજ દરમિયાન જે કામ કર્યું હોય તેની સામે પગલાં લેતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે.
આજ કેસમાં કોર્ટે આ પહેલાં બંનેને ડિસ્ચાર્જ કરવાની અરજીને ફગાવી દીધી હતી.
આ વર્ષે 26 માર્ચના રોજ બંને અધિકારીઓએ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે તેમને આ કેસમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમના સામે આગળની કાર્યવાહી પડતી મૂકવામાં આવે.
પૂર્વ આઈપીએસ અધિકારી વણઝારા અને તાજેતરમાં જ પોલીસ અધિક્ષકના પદ પરથી નિવૃત થયેલા અમીને પોતાને આ કેસમાંથી મુક્ત કરવાની અરજી ત્યારે કરી હતી જ્યારે સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે ગુજરાત સરકારે બંને સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી નથી.
 
 
ઇશરતનાં માતાએ કોર્ટમાં શું કહ્યું?
ઇશરતનાં માતા શમિમા કૌશરે વણઝારા અને અમીન દ્વારા કરવામાં આવેલી અરજીનો કોર્ટમાં વિરોધ કર્યો હતો.
પોતાનાં વકીલ વૃંદા ગ્રોવર દ્વારા કોર્ટમાં લેખિત અરજીમાં કૌશરે જણાવ્યું હતું કે કાર્યવાહીને પડતી મૂકવાની અરજી કાયદા સામે ટકી શકે એમ નથી અને તે તથ્યો સામે સુસંગત નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે અધિકારીઓ સામે કાર્યવાહીની મંજૂરી ન આપવા માટે રાજ્ય સરકાર યોગ્ય ઑથૉરિટી નથી.
જોકે, સીબીઆઈએ સરકારના નિર્ણય સામે કોઈ સ્ટેન્ડ લેવાનો ઇનકાર કર્યો હતો.
ઇશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લાઈ, અમજદઅલી અકબર અલી અને ઝીશાન જોહર 15 જૂન, 2004ના રોજ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત નકલી ઍન્કાઉન્ટરમાં માર્યાં ગયાં હતાં.
અમદાવાદ પાસે થયેલા આ ઍન્કાઉન્ટર મામલે પોલીસે કહ્યું હતું કે તેમના આતંકવાદીઓ સાથે સંપર્કો હતા.
આ મામલે સીબીઆઈએ વણઝારા અને અમીન સહિત અન્ય પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક કિલ્ક પર 100થી વધારે સુવિધાઓ આપશે સુપર એપ, અમેજન અને ફ્લિપકાર્ટને પટકની આપવાની તૈયારી