માણસોની દોસ્તીના દાખલા દેવાય છે, પણ સિંહોની દોસ્તી પણ દાખલારૂપ હોઈ શકે છે એનું દૃષ્ટાંત હાલમાં જ ગીરમાં જોવા મળ્યું છે.
24 જુલાઈએ ગીરમાં એક સિંહનું અમરેલીના લીલીયા ગામ પાસે ટ્રેનની અડફેટે આવી જતાં મૃત્યુ થયું. ગામ લોકો તે સિંહને 'ભગત' નામથી ઓળખતા હતા.
ભગતના મૃત્યુ પછી લીલીયાની આસપાસના ગામમાં પણ શોકની લહેર ફરી વળી હતી. સ્થાનિક અખબારોમાં પણ ભગતના મૃત્યુની નોંધ લેવાઈ હતી.
આ પંથકમાં ભગત અને રૂદ્ર એમ બે સિંહની જોડી હતી. શોલે ફિલ્મના જય અને વીરૂની જેમ બંને વનવગડામાં અને ગામની ભાગોળે સાથે જ જોવા મળતા હતા.
ઉલ્લેખનીય છે કે ગીરમાં વસતાં સિંહ-સિંહણને સ્થાનિકો અને વનવિભાગ જે તે સિંહની આભા પ્રમાણે નામકરણ કરતાં હોય છે.
'ભગત' સિંહ કોણ હતો?
લીલીયાના વન્યપ્રાણી નિષ્ણાત રાજન જોષી કહે છે, “ભગત એટલે એ સિંહ જે માનવ વસવાટના વિસ્તારમાં આવી જતો હતો, પણ તેણે કયારેય માણસો પર હુમલો કર્યો નહોતો. તેથી આ વિસ્તારના વન્યપ્રાણી પ્રેમીઓ અને ખેડૂત વગેરે ગામલોકો તેને 'ભગત' તરીકે ઓળખતા હતા.”
સૌરાષ્ટ્રમાં નિરૂપદ્રવી માણસને ક્યારેક ભગતની ઉપમા આપીને એવું કહેવાય કે એ તો ભગત માણસ છે. આ સિંહ પણ અન્ય સિંહોની તુલનામાં થોડો શાંત હોવાનું અને તેણે માણસો પર ક્યારેય હુમલો ન કર્યો હોવાથી ગામ લોકો તેને ભગત તરીકે ઓળખતા હતા.
ભગતનો જે જોડીદાર સિંહ છે તેને ગામ લોકો 'રૂદ્ર' તરીકે ઓળખતા હતા. કારણકે તે થોડો ઉગ્ર મિજાજનો સિંહ છે.
લીલીયાના સ્થાનિક પત્રકાર મનોજભાઈ જોષી કહે છે કે, “લીલીયા સહિત અમરેલી પંથકનાં ગામોમાં બંને સિંહ સાથે જ જોવા મળતા હતા. રૂદ્ર - ભગતની જોડી તરીકે બંને જાણીતા હતા. ચોવીસ કલાક બંને સાથે જ હોય. લીલીયા તાલુકા વિસ્તાર માટે બંને સિંહો કવચરૂપે હતા, આસપાસના ઇલાકાના અન્ય સિંહોને તેઓ આ પંથકમાં પ્રવેશવા દેતા નહોતા. 2013 થી 2017 સુધી સિંહની આ જોડી ઇંદ્ર - જીતના નામે ઓળખાતી હતી. જેમાં રૂ્દ્ર નામનો સિંહ ઇંદ્ર તરીકે અને ભગત જીત તરીકે ઓળખાતા હતા.”
તેમણે વર્ષ 2017થી ભોરિંગડાથી અંટાળીયા ગામો સુધી તેમની હદ બનાવી હતી. ગારીયાધાર અને સાવરકુંડલાના ગામોમાં પણ તેઓ ક્યારેક ફરતા હતા.
રૂદ્ર અને ભગતની આણ એવી હતી કે એક દાયકા સુધી અન્ય કોઈ સિંહ આ પંથકમાં પ્રવેશી શકતા નહોતા. અન્ય કોઈ સિંહ પ્રવેશે તો ઝપાઝપી કરીને તેમને ભગાડી દીધાનાં દૃશ્યો પણ ગામ લોકોએ નિહાળ્યા હતા.
રાજન જોષી કહે છે કે, “સિંહ કેટલાંક ચોક્કસ બાંધેલા વિસ્તારમાં ફરતા હોય છે જેને તેમની ટેરેટરી કહેવાય છે. ભગત અને રૂદ્રની ટેરેટરી ચાલીસથી પચાસ કિલોમીટરની હતી. આ બંને સિંહોએ છએક મહિના પહેલાં લાઠીના પાદરમાં જઈને શિકાર કર્યો હતો.”
ભગતના અણધાર્યા મોત પછી રૂદ્ર એકલો પડી ગયો છે.
અંટાળિયા ગામના ખેડૂત યોગરાજભાઈ ખુમાણ કહે છે કે, “તે ભગતને શોધવા આંટાફેરા કરે છે પણ તેને નિરાશા જ સાંપડે છે. રૂદ્ર અંટાળિયાથી બવાળા અને ત્રાપચ વગેરે ગામોમાં ભગતને ગોતે છે. ક્યારેક રૂદ્ર ઘાંઘો થઈને ગર્જના પણ કરે છે.”
ટીપુ અને સુલતાન સિંહની જોડીની સામે ભગત અને રૂદ્રની જોડી
ભગત અને રૂદ્રની જોડી આ વિસ્તારની સિંહણો અને બાળ સિંહ માટે પણ રક્ષક હતા.
રાજનભાઈ જણાવે છે, “ભગત અને રૂદ્રનો જન્મ વર્ષ 2013ની આસપાસ લીલીયા પાસે ત્રાપચ – શેત્રુંજી વિસ્તારમાં થયો હતો. 2017 પછી આ બંને સિંહોએ ટીબડી, ભોરિંડા, અંટાળીયા સહિતના વિસ્તારમાં કાયમી નિવાસસ્થાન બનાવ્યું હતું. આ વિસ્તારના સિંહણ અને બાળસિંહ માટે ભગત અને રૂદ્ર ઢાલ જેવા હતા."
તેમણે વધુમાં કહ્યું, "અગાઉ ટીપુ અને સુલતાન નામના બે સિંહની આ વિસ્તારમાં રાડ હતી. તેમણે વીંછીયાના જંગલ વિસ્તારમાં કેટલાંક પાછડા સિંહ એટલે કે આધેડ વયના સિંહોને ઈજા પહોંચાડી હતી તેમજ કેટલાંક બાળ સિંહને પણ માર્યા હતા. ભગત અને રૂદ્રની જોડીએ ટીપુ સુલતાનની જોડીને આ વિસ્તારમાં આવતી બંધ કરી દીધી હતી."
ભગતની જેમ અગાઉ રાજમાતા નામની સિંહણ પણ લોકોમાં ચર્ચા અને પ્રેમનું કેન્દ્ર બની હતી. તે સિંહણે 23 ઑગસ્ટ 2020ના રોજ છેલ્લા શ્વાસ લીધા ત્યારે તેનું આયુષ્ય લગભગ વીસ વર્ષ જેટલું હતું. સામાન્ય સિંહના સરેરાશ આયુષ્ય કરતાં તેનું આયુષ્ય વધારે હતું.
એશિયામાં સૌથી લાંબુ જીવનાર સિંહણ તે રાજમાતા હતી. જ્યારે રાજમાતાનું મોત થયું ત્યારે લીલીયા ક્રાંકચ સહિતના વિસ્તારોમાં તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રાજમાતાની યાદમાં અમરેલીના કાંક્રચ પાસેના બવાડી ડુંગર પર તેનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્ટેચ્યૂનું નામ 'વર્લ્ડ્સ મોસ્ટ લિજેન્ડરી લાયોનેસ' રાખવામાં આવ્યું છે.
સિંહના અકસ્માતની ઘટના રોકવા જંગલ વિભાગે શું કર્યું?
ગીરનાં જંગલોની આસપાસમાં સિંહ-સિંહણની માનવ વસાહત સાથેની ઘણી રસપ્રદ વાતો ત્યાંના લોકો પાસેથી જાણવા મળે છે. જાણીતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટે ગીરના જંગલના વન્ય જીવો સાથેના લોકજીવનના પ્રસંગોને વણીને 'અકૂપાર' નામની નવલકથા લખી હતી.
સિંહના અકસ્માત ન થાય એની સામે વનવિભાગે વાહનો માટે સ્પીડ મૉનિટરિંગ સિસ્ટમ લગાવી.
દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગીરમાં સિંહના અણધાર્યા અકસ્માતની ઘટનાઓ અગાઉ પણ બની છે. આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે વનવિભાગ સતર્ક થયો હોવાનો દાવો જંગલ વિભાગના અધિકારીઓ કરે છે.
વન્ય પ્રાણી વિભાગનાં મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂ કહે છે, “રસ્તો ઓળંગતી વખતે સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓનાં વાહન અકસ્માતથી થતાં મોત અને ઈજાના બનાવોને અટકાવવા માટે વન વિભાગે હાઈટેક ટેકનૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો છે.”
તેમણે વધુમાં કહ્યું, “સાસણ ખાતે એક-એક કિલોમીટરના અંતરે સ્પીડ મૉનિટરિંગ સિસ્ટમ લગાવી 28 જેટલા સીસીટીવીની મદદથી મૉનિટરિંગ શરૂ કર્યું છે. જેને આધારે વધારે સ્પીડમાં જતાં વાહનો સામે વનવિભાગ કાર્યવાહી કરી શકશે. વાહનોની સ્પીડ જાણી શકાશે તેમજ ક્યારેય સિંહ સહિતના વન્ય પ્રાણીઓના વાહન અકસ્માત થાય તો તે અંગેની તપાસમાં વાહન નંબરની ઓળખ મળવી અને ઘટના સમયે વાહનની સ્પીડ કેટલી હતી, તેનો ડેટા મળી શકે છે.”