Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ઠેર-ઠેર ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, મોરબીમાં 17 લોકો ફસાયા

gujarat rain
, સોમવાર, 26 ઑગસ્ટ 2024 (09:39 IST)
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
 
તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છુટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાંક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં.
 
શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
 
દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
 
બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જનમાષ્ટમીના મેળાની મજા બગાડી હતી.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.
 
મોરબીમાં 17 લોકો ફસાયા
સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં આવેલા ઘવાણા ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં અને એક ટ્રેકટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા હતા.
 
સમાચાર એજન્સી એએનઆઈએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, "મોરબીના ઘવાણા ગામ નજીક એક ટ્રેક્ટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે સર્ચ અને રૅસક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે."
 
આ વિશે મીડિયા સાથેની વાતચીતમાં મોરબીના કલેકટર કેબી ઝવેરીએ માહિતી આપતા કહ્યું, "અતિભારે વરસાદને કારણે કૉઝવે પરથી ભારે પ્રમાણામાં પાણી વહી રહ્યું હતું. આ સમયે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને પાણીના ભારે વહેણને કારણે ટ્રેક્ટરની ટ્રૉલી પલટી હતી. આ ટ્રૉલીમાં લગભગ 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અમે સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફોર્સને મદદ માટે બોલાવી છે. અમે અત્યાર સુધી 10 લોકોનો જીવ બચાવ્યો છે. અમે બાકીના લોકોને પણ બચાવવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ."
 
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં ફરીથી ચોમાસું જામ્યું છે અને સતત અલગઅલગ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
 
કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
 
ગુજરાતવેધરની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યના લગભગ 140 તાલુકામાં રવિવારે એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
 
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકામાં રવિવારે સૌથી વધારે લગભગ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના જ કપરડા અને પારડી તાલુકામાં 12-12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
 
સુરતના ઉમરપાડા તાલુકામાં પણ લગભગ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં લગભગ 11 ઇંચ, વલસાડના ધરમપુર તાલુકામાં નવ ઇંચ અને મહેસાણાના વિજાપુર તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો હતો.
 
આ ઉપરાંત ગીર-સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, રાજકોટ, દાહોદ, મહેસાણા, નર્મદા, પોરબંદર અને પંચમહાલ જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
 
 
ગુજરાતમાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે સિસ્ટમ અરબી સમુદ્રમાં દૂર ના જતી રહે ત્યાં સુધી વરસાદ પડવાની સંભાવના છે.
 
હાલ પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદ પડી રહ્યો છે, જે સિસ્ટમ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેનું જોર વધશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલની સ્થિતિ પ્રમાણે ચાર દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
 
ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજધાની દેહરાદૂનમાં ધરતી ધ્રુજી, તીવ્રતા 3.1 માપવામાં આવી.