વડોદરા મહાનગર પાલિકા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શહેરના ઓવરબ્રિજને શુસોભીત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વડોદરાના પોશ વિસ્તાર સમાન ફતેગંજ ઓવર બ્રિજ પર આઝાદીની ચળવળ અને આઝાદી માટે જાન ખપાવનાર મહાનુભાવોના ચિત્રો સાથે આઝાદીની ગાથાને ભીંતચિત્રોથી જીવંત કરવામાં આવશે જેની કામગીરી પણ શરુ થઇ ગઈ છે. બ્રિજની શોભા વધશે સાથે જ સ્વચ્છતા અંગે પણ કાળજી લેવાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યુવાપેઢી ભારતના સ્વાતંત્ર્યવીરો અંગે જાણે અને આઝાદીની ચળવળના ઇતિહાસથી સમજે તે માટે શહેરના જાહેર રસ્તા, બાગ-બગીચા, બ્રિજ જેવાં સ્થળ પર સુશોભન કરવું જોઈએ. જેના પગલે વડોદરા પાલિકાએ ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપનારા દેશભક્તોના જીવન ચરિત્ર અને તેમણે કરેલાં કથનો નાગરિકો સુધી પહોંચે તેમજ દેશદાઝ જગાડવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અનેક પેઢીઓનું, અનેક પરિવારોનું, અનેક વિચારધારાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ એ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો અવસર છે અને દેશભક્તોએ પોતાના વિચારો અને કવિતાઓ દ્વારા ભારતીય સમાજમાં જાગૃતિ ફેલાવી સૌના પ્રતિનિધિ તરીકે ૭૫ પ્રેરણાત્મક દેશભક્તોને અંજલિ રૂપે એક નવતર સ્મારકનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે.
આમ,ફતેગંજ બ્રિજના 20 પિલરો પર 18,750 સ્કવેર ફૂટમાં 75 સ્વાતંત્ર સેનાનીનાં ચિત્રો દોરાશે. તેમજ આઝાદીની ચળવળના થીમ પર સ્કલ્પચર પણ ઊભાં કરાશે. મ.સ. યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના બે વિદ્યાર્થી ભાવેશ પટેલ, કૃણાલ સિંહ અને તેમની ટીમ સ્વાતંત્ર સેનાનીના ચિત્રો બનાવશે. બ્રિજના પિલર પર કરાનાર ચિત્રો વોટર પ્રૂફ હશે, જેની 5 વર્ષની વોરંટી આપવામાં આવી છે.