ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રના રથોનું નિર્માણ દર વર્ષે કરવામાં આવે છે. આ રથો સંપૂર્ણ રીતે લાકડાંમાંથી બનાવવામાં આવે છે. આ રથના નિર્માણમાં કોઈ પણ પ્રકારની ધાતુ કે ખીલીનો ઉપયોગ કરવામાં આવતો નથી. રથયાત્રાના રથોનું નિર્માણ એ એક ધાર્મિક કાર્ય છે, જે પેઢી દર પેઢી આગળ વધતું રહે છે. રથ બનાવવા માટેનાં લાકડાંની પસંદગીનું કાર્ય વસંત પંચમીના શુભ દિવસથી શરૂ થઈ જાય છે, જ્યારે તેનું નિર્માણકાર્ય અક્ષયતૃતીયાના દિવસે વનજગા મહોત્સવથી શરૂ થાય છે. રથનાં પૈડાં અને તેમાં વપરાતાં લાકડાંના ટુકડાઓની સંખ્યા નિશ્ચિત છે. તેમાં એક પણ ટુકડાનો વધારો કે ઘટાડો થતો નથી. ભગવાન જગન્નાથનો રથ ગરુડધ્વજ કે કપિલધ્વજના નામે ઓળખાય છે. બલરામજીના રથનું નામ તાલધ્વજ તથા સુભદ્રાજીનો રથ કર્પદલનના નામથી ઓળખાય છે.
જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે
બાહુડા યાત્રા
જગન્નાથપુરીમાં નીકળતી તેર યાત્રાઓમાં રથયાત્રા પછી બીજી મહત્ત્વની બાહુડા યાત્રા છે. અષાઢ સુદ દસમીએ જગન્નાથજીની યાત્રા પરત ફરવાનું શરૂ કરે છે. સાંજ થતાં પહેલાં જ રથ નિજમંદિર સુધી પહોંચી જાય છે. જ્યાં એક દિવસ પ્રતિમાઓ ભક્તોનાં દર્શન માટે રથમાં જ રાખવામાં આવે છે. બીજા દિવસે પ્રતિમાઓને મંત્રોચ્ચાર સાથે મંદિરના ગર્ભગૃહમાં ફરીથી સ્થાપવામાં આવે છે. મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા સુભદ્રાજીની સૌમ્ય પ્રતિમાઓને શ્રદ્ધાળુ એકદમ નજીકથી જોઈ શકે છે. ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ પ્રકારનું અંતર રહેતું નથી.