Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર નીકળી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા - ગ્રાઉંડ રિપોર્ટ

16 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર નીકળી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા - ગ્રાઉંડ રિપોર્ટ

વૃષિકા ભાવસાર

, સોમવાર, 12 જુલાઈ 2021 (20:45 IST)
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આટલા વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર નીકળી હતી.  હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી પડી. આ રથયાત્રા જેના દર્શન માટે રથયાત્રા રૂટ પર ભક્તોના ટોળેટોળા તેમના દર્શન અને સ્વાગત માટે આતુર રહેતા એ માર્ગ પર આજે કરફ્યુ લાગેલ હોવાથી ભગવાન જગન્નાથની રથયાત્રા 4 કલાકમાં પુરી થઈ ગઈ હતી.  ભામંદિરની બહાર રથ નીકળતાં જ ભજનમંડળીની મહિલાઓએ ભગવાનની સાથે નગરચર્યાએ જવાની માગ કરી હતી, પરંતુ પોલીસે મંજુરી આપી નહોતી. રથયાત્રાના રૂટ પર આવતાં મકાનોના ધાબાઓ, ગેલેરી અને બારીઓમાંથી ભક્તો દૂરથી જ ભગવાનની એક ઝલક જોવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. અગાઉની રથયાત્રા રાયપુર ચાર પાસે જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળતું હતુ ત્યા આ વર્ષે રસ્તા સૂમસામ જોવા મળ્યા છે.સમગ્ર રૂટ પર ચારેબાજુ પોલીસ ખડકી દેવામાં આવી હતી. રથની આગળ-પાછળ પોલીસ પણ દોડતી જોવા મળી હતી.
webdunia

 
ગજરાજોને પણ મંજુરી નહી 
 
દર વર્ષે પરંપરાગત રીતે ગજરાજ સાથે રથયાત્રા નીકળે છે, પરંતુ આ વખતે રથયાત્રામાં ગજરાજોને મંદિરના દરવાજાથી જ રોકી દેવામાં આવ્યા હતા. ગજરાજોને ભગવાનની રથયાત્રામાં જોડાવા માટેની મંજૂરી ન મળતાં મહાવતો પણ નારાજ થઈ ગયા હતા. ભગવાન જગદીશ નગરચર્યાએ નીકળ્યા ત્યારે મંદિરના દરવાજે સ્વાગત કરવા માટે ગજરાજોને ગોઠવી દેવામાં આવ્યા હતા.
webdunia
ભક્તો વગરની રથયાત્રા જોઈ
 
રાયપુર વિસ્તારમાં રહેનારા અશોક ભટ્ટના કહેવા મુજબ 16 વર્ષથી દર વર્ષે મંદિરથી લઈ રથયાત્રા પરના તમામ રૂટ પર તેઓ જગન્નાથજીની નગરચર્યામાં જોડાતા હતા. તેમના કહેવા મુજબ રથયાત્રા ભક્તો વગર અધૂરી લાગી હતી. દર વખતે રથયાત્રામાં ભક્તો અને ભગવાન વચ્ચેનું ટ્યુનિંગ દેખાતું હતું અને પોલીસ ઝાખી દેખાતી હતી. આ વખતે પોલીસ અને ભગવાન જ હતા અને ભક્તો ઘરમાં કેદ જોવા મળ્યા હતા, સાથે જ આ વખતે પોલીસની કડક કાર્યવાહી અને કોર્ડિનેશનને કારણે રથયાત્રામાં કોઈપણ મુશ્કેલી જોવા મળી ન હતી. ભક્તો વચ્ચે ઘર્ષણ તેમજ રકઝક જેવા બનાવો પણ બન્યા ન હતા. જ્યાં ભગવાનના દર્શનથી વંચિત રહેલા ભક્તો દુ:ખી અને માયૂસ જોવા મળ્યા હતા. તો કેટલાક વિસ્તારોમાં ઘરની બારીઓ તેમજ ધાબા પર ચઢીને ભગવાનના રથ પર ફૂલહાર તેમજ પ્રસાદ ચઢાવ્યાં હતાં. 144 વર્ષના ઈતિહાસમાં આવી પહેલી રથયાત્રા જોવા મળી, જ્યાં ભક્તો વિના ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. બીજી તરફ, પોલીસ તેમજ ખલાસીઓની મહેનતથી ખૂબ જ શાંતિ પૂર્ણ અને ઝડપી રથયાત્રા નિજમંદિર પરત ફરી હતી.
 
પોલીસના ટારગેટ પહેલા પહોચી  રથયાત્રા 
 
આ વખતની રથયાત્રા પોલીસની જ રથયાત્રા હોય એવી લાગી,  રસ્તા પર કરફ્યુ લાદેલો હોવાથી  ભક્તો કોઈ હતા જ નહિ. એટલા જ માટે કોઈપણ જાતના ધસારા વગર પૂરઝડપે ત્રણેય રથ માત્ર 4 કલાકમાં નિજમંદિરે પરત ફર્યા હતા. અગાઉ 22. કિમીની રથયાત્રાને પૂર્ણ થતાં 14 કલાકનો સમય લાગતો હતો, કારણે કેટલાક વિસ્તારોમાં રથને રોકવામાં આવતા હતા, પરંતુ આ વખતે નોન-સ્ટોપ રથયાત્રા નીકળી હતી. કેટલાક વિસ્તારોમાં ભક્તોની ભીડ ભેગી થતાં પોલીસે શાંતિથી સમજાવી પરત મોકલ્યા હતા, સાથે જ ઘણા ભક્તોની રથ નજીક જઈને દર્શન કરવાની ઈચ્છા હતી, પરંતુ એ પૂરી ન થતાં તેઓ દુ:ખી જોવા મળ્યા હતા. પોલીસના ટાર્ગેટ કરતાં પણ 1 કલાકને 10 મિનિટ વહેલી રથયાત્રા પૂર્ણ થઈ છે
 
પોલીસ-બંદોબસ્તને કારણે મુસાફરો અટવાયા.
 
અમદાવાદમાં ભગવાન જગન્નાથ સઘન પોલીસ-બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નીકળ્ય હતા આ દરમિયાન રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.  કર્ફ્યૂને કારણે મુસાફરોને મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો.  શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરોને સામાન ઉંચકીને ચાલતા  જવું પડ્યું.  કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર ચાલુ રહી, પરંતુ શહેરમાં રથયાત્રાના રૂટ પર વાહનવ્યવહાર કર્ફ્યૂને કારણે બંધ રહ્યો હતો, જેથી અનેક મુસાફરો પરેશાન થયા. કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓને માટે પોલીસે માનવતા દર્શાવતા મોટી મદદ કરી હતી. સ્થાનિક પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી હતી, જેને કારણે અટવાયેલા મુસાફરોમાં આનંદ જોવા મળ્યો અને તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
 
જનતાનો આભાર 
 
યાત્રા પૂર્ણ થતા  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે પ્રજાના સહકાર બદલ આભાર માનતા જણાવ્યું કે, અમદાવાદની પરંપરાગત રથયાત્રા શ્રદ્ધા અને સ્વાસ્થ્યના જતન સાથે પુરી થઈ છે. કોઈ વિઘ્ન વિના 20 કિ.મી.નો રૂટ ફરી રથ પરત ફર્યા છે, જે આનંદનો વિષય છે. લોકોને જે અપીલ કરી હતી, તે પ્રમાણે લોકોએ ઘરમાં રહી ભગવાનના દર્શન કર્યા છે. ભગવાન કોરોનામાંથી મુક્તિ આપે અને ચોમાસુ સારું રહે તેવી પ્રાર્થના કરું છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Three headed baby- મૈનપુરીમાં મહિલાએ ત્રણ માથાવાળા બાળકને આપ્યો જન્મ, બાળકને જોવા માટે ઉમટી ભીડ