Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત - જાણો દિવાસાનુ મહત્વ

divaso
, શનિવાર, 3 ઑગસ્ટ 2024 (15:01 IST)
રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઇ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. સાસરે ગયેલી દિકરીઓ માવતર આવે છે. પુર્વજોને યાદ કરાય છે. ખેતરમા નવા પાકની પુજા થાય છે અને ગામ આખુ ભેગુ થઇને ફટાણા ગાતા ગાતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે.
 
અષાઢમાં મેઘરાજાનુ આગમન થઇ ગયુ હોય છે. એટલે વાવણી પણ થઇ ગઇ હોય છે. એટલે દીવાસો આવતા સુધીમાં ખેતરમાં મકાઇ, તુવેરના પાકની કુંપણો ખેતરના પડને ચીરીને ડોકીયા કરતી હોય છે. એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે તે માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે વિશેષ્ઠ અનુષ્ઠાનની પરંપરા છે. દિવાસાની આગલી રાતે ઉજાણી કરાય છે જેમાં ખેતરમા જઇને કુટુંબના દેવતા અને પુર્વજોનુ પુજન કરાય છે. અડદના વડા અને ઢેબરાનો પ્રસાદ પીરસવામા આવે છે. મરઘા, બકરાની બલી અપાય છે પછી ખેતરમા ઉગી નિકળેલા પાકનુ પણ પુજન કરાય છે. રાત્રે ગામ આખુ ભેગુ થાય છે. પરંપરા એવી છે કે લગ્ન કરીને ગયેલી ગામની દિકરી તેનો પહેલો દિવાસો ગામમા જ મા-બાપના ઘરે જ ઉજવે છે એટલે સાસરે ગયેલી ગામની દિકરીઓ આગલે દિવસે આવી ગઇ હોય છે. રાત્રે ગામ આખુ ભેગુ થાય છે. દિવાના અજવાળે ફટાણા ગવાય છે. ઢોલ ઢબુકે છે. દીવાસો ઉજવવા આવેલી દિકરીએ કુંટુંબીઓ તથા ગ્રામજનોને કોપરૃ, ગોળ, ચણાનો પ્રસાદ આપે છે. આખી રાત જાગરણ થાય છે.
 
અને ફટાણા ગવાય કે...
કાળીયુ ખેતર સડીયુ(સાફ કર્યુ) રે,
વાડી ઝુડીને સાફ કર્યુ રે
વાવી જુવાર ને ઉગ્યો બાજરો રે.
 
બીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે ઘરે ઘરે લાડુ, શીરો, દાળ-ભાત અને પુરીનુ જમણ બને છે. દેવતાઓ અને પુર્વજોને નિવેધ ધરાવવામા આવે છે. દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરૃષો ફટાણા ગાય છે. મોટા ભાગના ફટાણામા અપશબ્દનો ઉપયોગ ભરપુર થતો હોય છે. ભગવાન અને દેવતાઓને પણ
 
ફટાણામ મન ખોલીને અપશબ્દોથી પોખવામા આવે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ પર સંશોધન કરનારા અને માહિતી ખાતાના અધિકારી ભાવસિંહ રાઠવા કહે છે કે આદિવાસીઓ અપશબ્દોથી દેવતાઓનુ અપમાન નથી કરતા પણ વરસાદ વગર, પાણી વગર વેઠેલ વેદનાઓને વ્યક્ત કરવાની તેઓની પોતાની આ એક રીત છે.
 
આદિવાસી સંસ્કૃતિમા સંગીતનુ ખુબ મહત્વ છે. પાવો, વાંસળી, ઢોલ અને ઘાંઘરી આદિવાસી સંગીતના મુખ્ય અંગો છે. પરંપરા એવી છે કે દશેરાના દિવસથી પાવો અને વાંસળી વગાડવાનુ આદિવાસીઓ શરૃ કરે છે. આખો દિવસ ખેતરમા મજુરી કરીને અને પશુઓ ચરાવને ઘરે આવેલા આદિવાસીઓ રાત્રે વાજીંત્રો વગાડી અને પરંપરાગત ગીતો ગાઇને મનોરંજન મેળવે છે. જો કે ગીત સંગીતમા પણ એક અનોખી પરંપરા છે.
દિવાળીથી દીવાસા સુધી વાસળી અને પાવો વગાડવામા આવે છે અને દિવાસા પછી 'ઘાંઘરી' નામનુ વાજીંત્ર વગાડાય છે. વાસની બે પટ્ટીઓથી બનેલા આ ટચુકડા વાધ્યમા વચ્ચે પાતળા તાર હોય છે. ઘાંઘરી મોઢામા દબાવીને આંગળીથી તેના તારને ઝંકૃત કરીને વગાડવામા આવે છે.દીવાસાથી દિવાળી સુધી ઘાંઘરી જ વગાડાય છે.
 
દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. આપણા કૃષિપ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.
 
એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે તો ક્યાંક માલપૂઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.
 
દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે.
 
દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pishach Yog - જન્મકુંડળીમાં શનિ આ રીતે બનાવે છે પિશાચ યોગ, જો તમે આ ઉપાયો નહીં કરો તો દરેક પગલે ઉભી થશે સમસ્યા