Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

ashadhi beej
, ગુરુવાર, 26 જૂન 2025 (16:42 IST)
ashadhi beej
અષાઢી બીજ એટલે શુ - કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે,  કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનાં દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે. કચ્છીઓનું અદકેરું પર્વ એટલે કે અષાઢી બીજ. વિશ્વના ખૂણે ખૂણે વસતા કચ્છીઓ અષાઢ સુદ બીજના દિવસે પોતાનું આગવું નૂતન વર્ષ ઊજવે છે. દરિયા ખેડૂતો ખેપ પૂરી કરીને વતન પરત ફરતા હોય છે અને દરિયાનું પૂજન કરતા હોય છે. હિજરત કરી ગયેલા માલધારીઓ કે જે પાણી અને ખોરાકની શોધમાં બહાર ગયા હોય છે તે પણ વતન પરત ફરતા હોય છે. ખેડૂતો પણ પોતના ખેતરમાં વાવણીના કામનો પ્રારંભ કરે છે. આમ કચ્છી વર્ષ અષાઢી બીજ એ સૌર વર્ષ તરીકે પણ જાણીતું છે.
 
કેવી રીતે શરૂ થઈ કચ્છી નવા વર્ષની ઉજવણી 
ઈતિહાસની રીતે અષાઢી બીજની વાત કરવામાં આવે તો ઈ.સ. 1605 માં કચ્છના કેરામાં રાજધાની સ્થાપનાર લાખા ફૂલાંણી કે જે પ્રતાપી રાજવી હતા અને તેઓ પૃથ્વીનો છેડો ગોતવા નીકળી પડ્યા હતા.પરંતુ તેમને પૃથ્વીનો છેડો તો ના મળ્યો તેઓ જ્યારે પાછા કચ્છ આવ્યા ત્યારે તેમણે કચ્છમાં જે હરિયાળીના દ્રશ્યો જોયા  ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી આ બધાથી ખુશ થયેલ જામ લાખાજીએ અષાઢી બીજને નુતન વર્ષ તરીકે ઉજવવાની ઘોષણા કરી. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે.
 
લોકો નવા કપડાં શીવડાવે. સીમેન્ટના મકાનો તો થોડા હતા. ખાસ કરી ગાર માટીના મકાનોની ઉપર દેશી નળિયાં હોય તેને સંચરાવે. ગોબર- માટીના લીંપણ કરી ઉજળા બનાવે. ઘરના બારણા પર કે પછી ડેલીની બન્ને બાજુ કમાગર પાસે એક તરફ અંબાડીધારી હાથી તો સામે સિંહનું ચિત્ર અને આસોપાલવના પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન કરાવે. ઘરમાં મીઠાઇઓ બનાવે. ઘર અને ડેલી પાસે કોડિયાં મૂકવા ગોખલા હતા તેમાં માટીના કોડિયાં જગમગાવે. આ શણગાર સાથે આતશબાજી પણ ખરી.
 
રાજદરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી. રાજદરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે. અષાઢી બીજનાં દિવસે રાજાશાહી સમયમાં કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતાં હતાં અને નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરવામાં આવતું હતું. તો સાથે જ જવા ચલણી સિક્કાઓ બહાર પડાતા. કચ્છનો રાજવી પરિવાર ભૂજના દરબારગઢમાં પુજન કરીને નવા વર્ષની ઉજવણી કરે છે. રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકરના પડા વહેંચાય. કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણા અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવદર્શને જાય. વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી પાયવંદના કરે. મંદિરોમાં મળસ્કે મંગળા આરતી ગાજી ઊઠે નોબત અને ઘંટારવનો નાદ તો દૂર સુધી સંભળાય.  
 
દરિયાકાઠે વસનારા નાવિકો પોતાના વહાણોને શણગારે. અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે. પ્રત્યેક સતી શૂરાના પાળિયાને સીંદુર લગાવી ઘૂપ-દીપ નૈવેદ્યથી પૂજન અર્ચન કરે. આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે.  
 
હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહ થી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે.  આધુનિક સમયમાં હવે નવા વર્ષની ઉજવણી માત્ર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવીને જ કરી રહ્યા છે
 
કેટલાક પ્રખ્યાત કચ્છી વાક્યો
 
"કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ, જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ"
"શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ"
"કચ્છી ભાંવરે કે અષાઢી બીજ જી જજીયું જજીયું વંધાઈંયું"
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jagannath Rathyatra 2025 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા