Pakistan vs Sri Lanka: પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું. શ્રીલંકાએ પાકિસ્તાનને જીતવા માટે 345 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાની ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં પાકિસ્તાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને વિસ્ફોટક બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું.
પાકિસ્તાને જીતી મેચ
મોટા ટાર્ગેટનો પીછો કરવા આવેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને એક સમયે ટીમ મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી હતી. જ્યારે ઈમામ ઉલ હક અને બાબર આઝમ વહેલા આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ આ પછી મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર બેટિંગ કરીને પાકિસ્તાનને શાનદાર જીત અપાવી હતી. આ ખેલાડીઓના કારણે જ પાકિસ્તાની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની આ સતત બીજી જીત છે
પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફીકે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 103 બોલમાં 113 રન બનાવ્યા જેમાં 10 ફોર અને 3 લાંબી સિક્સ સામેલ હતી. તે વનડે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. વર્લ્ડ કપની ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર તે પાકિસ્તાનનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ડેબ્યૂ મેચમાં પાકિસ્તાન માટે સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ તેના નામે નોંધાયેલો છે.
પાકિસ્તાન માટે વનડે વર્લ્ડ કપની ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ખેલાડીઓઃ
113* રન- અબ્દુલ્લા શફીક, 2023*
82 રન- મોહસીન ખાન, 1983
78 રન- અસદ શફીક, 2011
76 રન- રમીઝ રાજા, 1987
71 રન- ઉમર અકમલ, 2011
અબ્દુલ્લા શફીકે 23 વર્ષ અને 324 દિવસની ઉંમરમાં પાકિસ્તાન માટે સદી ફટકારી છે. તે વનડે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પાકિસ્તાન માટે બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે સલીમ મલિકનો રેકોર્ડ તોડ્યો છે. સલીમે 24 વર્ષ અને 192 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. ઇમામ ઉલ હક પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે.
વનડે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા પાકિસ્તાની ખેલાડીઃ
23 વર્ષ 195 દિવસ - ઇમામ-ઉલ-હક, 2019
23 વર્ષ 324 દિવસ - અબ્દુલ્લા શફીક, 2023*
24 વર્ષ 192 દિવસ - સલીમ મલિક, 1987
24 વર્ષ 254 દિવસ - બાબર આઝમ, 2019