ફિલ્મ 'ઈંગ્લિશ વિંગ્લિશ' દ્વારા કમબેક કરી રહેલી બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું કહેવું છે કે તેના પતિ બોની કપૂર તેને જોકર કહીને બોલાવે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે
ઘરમાં તેને શું કરવું પસંદ છે? ત્યારે તેણે કહ્યુ હતું કે તેને ઘરમાં મજાક-મસ્તી કરવી ઘણી ગમે છે અને તે હંમેશા મજાક કરતી રહે છે. આ કારણે ઘણી વાર તેમના પતિ બોની તેને જોકર કહે છે.
શ્રીદેવી પોતાની બાળકીઓ સાથે પણ બાળકની જેમ જ મજાક મસ્તી કરે છે. ઘણીવાર તો તેની બાળકીઓ તેને કહે છે કે, "મમ્મા પ્લિઝ ચૂપ હો જાઓ".
શ્રીદેવીની કમબેક ફિલ્મને લઈને તેના ઘરમાં કેવો ઉત્સાહ છે તે વિશે પૂછાતા શ્રીદેવીએ કહ્યુ હતું કે તેની બન્ને દીકરીઓ ઉત્સાહિત છે પણ બન્ને અલગ અલગ રીતે તેને વ્યક્ત કરે છે. જ્યારે બોની કપૂર તો શ્રીદેવી કરતા પણ વધારે ઉત્સાહિત છે. "બોનીજી તો એટલા ઉત્સાહિત છે કે મારે ઘણી વાર તેમને કહેવું પડે છે કે, બાબા કામ ડાઉન."
શું પોતાની ફિલ્મને લઈને શ્રીદેવી નર્વસ છે? "ના, નર્વસ તો નહીં પણ ઉત્સાહિત ચોક્કસ છું. મને દર્શકોના પ્રતિભાવ જાણવાનો ઉત્સાહ છે."
ગૌરી શિંદેના ડાયરેક્શનમાં બનેલી 'ઈંગ્લિશ વિંગ્લિશ' 5મી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.