સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાનડા સરકારી માધ્યમિક શાળાની ધોરણ ૯માં અભ્યાસ કરતી દીકરી સરસ્વતીબા દશરથસિંહ ઝાલા નેશનલ પેરા ઓલિમ્પિક્સમાં ઝળકી હતી. ખેડા જિલ્લાના નડીયાદ ખાતે તા. ૨૭ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન આ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં ત્રીજા ક્રમાંકે આવી રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
સરસ્વતીબાના વિશેષ શિક્ષિકા દક્ષાબેન નાયક જણાવે છે કે, સરસ્વતીબા સેરેબ્રલ પાલ્સી ( શરીરનો એક ભાગ લકવાગ્રસ્ત) બિમારીથી પિડિત છે. તેના પિતા સાધારણ ખેડૂત છે. તા. ૨૭ જાન્યુઆરી થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ ખાતે યોજાયેલ જુનિયર/સબ જુનિયર પેરા નેશનલ ઓલિમ્પિકમાં ૨૩ રાજ્યોના ૩૨૫ થી વધુ દિવ્યાંગ એથ્લેટ્સ ભાગ લીધો હતો. જેમાં ૧૨ જેટલી રમતો હતી. જુનિયર/ સબ જુનિયર સ્પર્ધામાં અંડર ૧૭માં ૧૦૦ મીટર દોડમાં સરસ્વતીબા ઝાલા દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાએ પ્રથમ આવી રાષ્ટ્રિયકક્ષાએ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરી ગુજરાતને તામ્રપદક અપાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના દિવ્યાંગ બાળકોના વિશેષ વિકાસ માટે અંધજન મંડળ ઇડર દ્રારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ૩૯ શિક્ષકોની નિમણૂંક કરાઇ છે. સરસ્વતીબાના પિતા જણાવે છે કે, સરસ્વતી તેમની ચોથા નંબરની પુત્રી છે. ગામમાં પોતાની થોડી જમીન પર ખેતી કરીને પોતાના છ બાળકોને શિક્ષણ આપવા અવિરત મહેનત કરી રહ્યા છે.
દિકરી દિવ્યાંગ હોવાથી પહેલા તેમને ખુબ ચિંતા હતી પરંતુ આજે દિકરીએ મેળવેલ સિધ્ધિ બાદ તેમને દિકરીના દિવ્યાંગ હોવા બાબતે ચિંતા નથી રહી તેની દિકરી ભવિષ્યમાં આમ જ આગળ વધે અને આજે રાજ્ય માટે પદક મેળવ્યો છે તેમ દેશ માટે મેડ્લ મેળવે તેવી ઇચ્છ વ્યક્ત કરી હતી. શાળાના આચાર્યશ્રી મનુભાઇ દેસાઇ જણાવે છે કે, સરસ્વતીબા મક્કમ મનોબળના છે. ૨૩ રાજ્યોના વિદ્યાર્થીઓમાં પોતાના રાજ્ય માટે નંબર મેળવવા સખત પરિશ્રમ કર્યો હતો જે ખરેખર સરાહનીય બાબત છે તેમણે ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે સાથે શાળા પરિવાર અને શિક્ષકોને ગૌરવાંવીત કર્યા છે. શાળા પરીવાર દ્રારા દિકરીનું સન્માન કરવામાં આવ્યું હતું.