ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતે જાપાનને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો છે. આ 16 મેડલમાંથી 4 ગોલ્ડ મેડલ છે. દક્ષિણ કોરિયાએ યજમાન ચીનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક સમયે મહાન હોકી ટીમ ગણાતી પાકિસ્તાનને એક પણ મેડલ મળ્યો નથી.
ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ મેચથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાનો ટુર્નામેન્ટમાં કેટલો દબદબો હતો તેનો અંદાજ સ્કોરકાર્ડ પરથી લગાવી શકાય છે. એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-10-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું.
એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ હોકી ટીમનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતે આ પહેલા 2014માં થયેલ એશિયન ગેમ્સમાં સ્વર્ણિમ સફળતા મેળવી હતી.