Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેમ સામે પહાડ પણ પાણી ભરે...

love tips
એક કહેવત છે કે 'પ્રેમમાં એટલી બધી તાકાત હોય છે કે પત્થરને પણ ચીરી નાંખે છે'. હા મિત્રો આ વાતથી તો તમે બધા જ જાણીતા હશો કે ઈતિહાસમાં એવા પણ પ્રેમી થઈ ગયાં જેમણે પોતાના પ્રેમ ખાતર પત્થરને ચીરીને તેમાં રસ્તો બનાવી દિધો હતો. તેમનો પ્રેમ પવિત્ર હતો અને તે અમર થઈ ગયો. તેમને શરીર સાથે નહિ પરંતુ આત્માની સાથે સબંધ હતો. તેઓ મરીને પણ એક થઈ ગયાં અને તેમના પ્રેમને અમર કરી ગયાં.

ઈતિહાસમાં એક પ્રેમ કથા ખુબ જ અમર થઈ ગઈ. જી હા મિત્રો બિલકુલ યોગ્ય વિચાર્યું તમે, આ પ્રેમ કથા છે શીરી-ફરહાદની. ફરહાદે પોતાના પ્રેમને મેળવવા ખાતર પહાડને ચીરીને તેમાંથી રસ્તો બનાવી દિધો હતો.

આર્મેનિયાની બાદશાહની પુત્રી ખુબ જ સુંદર હતી. તેની તસ્વીર માત્ર જોઈને જ પર્શિયાના બાદશાહ તેની પર ફિદા થઈ ગયાં હતાં. તેમણે શીરીની સામે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો તો શીરીએ તેને સ્વીકારી તો લીધો પરંતુ તેમની સામે શરત મુકી કે તમારે પર્શિયાના લોકો માટે દોધનો દરિયો લાવવો પડશે. રાજાએ તેમની શરત માની લીધી નહેર ખોદવાનું કામ શરૂ કરી દેવડાવ્યું. જે વ્યક્તિને નહેર ખોદવાનું કામ સોંપવામાં આવ્યું હતું તેનું નામ હતું ફરહાદ. આ દરમિયાન ખુસરોએ શીરીની સાથે લગ્ન કરી લીધા હતાં.

ખુસરોએ ફરહાદને બોલાવીને શીરીની સાથે મળાવ્યો જેથી કરીને શીરીની સલાહ પર નહેરનું ખોદકામ થઈ શકે. શીરીને જોતા જ ફરહાદ તેનો દિવાનો થઈ ગયો. નહેર ખોદતાં-ખોદતાં ફરહાદ શીરીનું જ નામ રટવા લાગ્યો. એક વખત શીરી ત્યાં આવે ત્યારે ફરહાદે તેના ચરણોમાં ઝુકીને પોતાના પ્રેમનો એકરાર કરી દિધો. પરંતુ શીરીએ તેને ઠુકરાવી દિધો.

પરંતુ પ્રેમ ક્યારેય પણ હાર નથી માનતો તેમ ફરહાદે પણ હાર માની નહિ અને તેણે પણ સમય પહેલાં નહેરને ખોદી દિધી. પરંતુ શીરીના પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો કે પોતાના મન અને હૃદય પરથી પોતાનું અસ્તિત્વ ગુમાવી દિધું. આ વાતની જાણ ખુસરોને થઈ તો તે આગની જેમ ક્રોધિત થઈ ગયો. પરંતુ ફરહાદે જરા પણ પરવા કર્યા વિના પોતાના મનની વાત બાદશાહને કહી દિધી. ખુસરો ફરહાદને પોતાની તલવારથી મારવા ઉભો થયો તો તેનો વજીર તેમને રોકીને સલાહ આપી કે જો તે પોતાની મહેનત વડે પર્વતની આરપાર રસ્તો બનાવી દે તો શીરીની સાથે તેના લગ્ન કરી દેવાશે. તેને વિશ્વાસ હતો કે ફરહાદ આ ક્યારેય પણ નહી કરી શકે. પરંતુ તમે તો જાણો જ છો ને મિત્રો કે પ્રેમમાં એટલી બધી તાકાત હોય છે કે પત્થરને પણ ઓગાળી દે છે.

ફરહાદે તેમની શરતને સ્વીકારી લીધી અને દિવસ રાત ભુખ્યો ને તરસ્યો બસ પર્વતની આરપાર રસ્તો બનાવવામાં જ મગ્ન થઈ ગયો. તેણે આટલી બધી મોહબ્બતને જોઈને શીરીનું દિલ પીગળી ગયું. આ દરમિયાન ખુસરોએ જોયું કે ફરહાદ તો પોતાની શરત પુરી કરવાને આરે છે તો તેણે તેની પાસે ખોટા સમાચાર મોકલાવ્યાં કે શીરીએ આત્મહત્યા કરી લીધી છે. આ સાંભળતાની સાથે જ ફરહાદ પર તો જાણે કે આકાશ તુટ્યું પડ્યું. તે આક્રંદ કરીને રડવા લાગ્યો અને તેણે ત્યાં જ પત્થરોની સાથે પોતાનું માથુ પછાડી પછાડીને પોતાના પ્રાણ આપી દિધા.

જ્યારે શીરીને આ વાતની ખબર પડી તો તે દોડીને તે જગ્યાએ ગઈ અને જેણે ત્યારે ખબર પડી કે પોતાના પ્રેમીની આવી દશા ખુસરોના છળના લીધે થઈ છે તો તેણે પણ પ્રેમીના પગમાં જ પોતાના પ્રાણ ત્યાગી દિધા. અંતે આ બંને પ્રેમીઓને એક જ સાથે દફનાવવામાં આવ્યાં. ભલે તેઓ જીવતા જીવ એકબીજાના ન થઈ શક્યાં પણ મરીને પોતાના પ્રેમને અમર કરી ગયાં. આજે સદીઓ પસાર થઈ ગઈ છતાં પણ લોકો આ અમર પ્રેમી જોડાને યાદ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીવનબાગમાં જેવો તેવો માળી ના ચાલે...